મુંબઇઃ મહારાષ્ટ્રમાં સરકાર પર હવે સસ્પેન્સ ખતમ થવાનો સમય આવી ગયો છે, કેમકે બીન બીજેપી સરકાર બનાવાની દિશામાં શિવસેના આજે મોટો નિર્ણય લઇ શકે છે. માહિતી પ્રમાણે શિવસેના એનડીએ સાથે ગઠબંધનની ગાંઠ ખોલી શકે છે, જે બાદ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર પણ બનાવી શકે છે, હવે આ બધુ કરવા માટે શિવસેના પાસે આજે સાંજે સાત વાગ્યા સુધીનો સમય છે.

સાથે એ પણ રિપોર્ટ છે કે, સવારે 11 વાગે મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી મંત્રી અરવિંદ સાવંત દિલ્હીમાં પ્રેસ કૉન્ફરન્સ કરવાના છે. માની શકાય છે કે અરવિંદ સાવંત મોદી સરકારમાંથી મંત્રી પદ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી શકે છે. જો આમ બન્યુ તે સાંજ સુધીમાં રાજ્યમાં સરકાર બનવાનુ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

આજે સાંજે 7.30 વાગ્યા સુધી શિવસેનાએ રાજ્યપાલને પોતાનો જવાબ આપવાનો છે, કેમકે બીજેપીનો સરકાર બનાવવાનો ઇનકાર બાદ શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ છે.



એનસીપી-કોંગ્રેસના હાથમાં છે સત્તાની ચાવી.....
શિવસેના બે જુના રાજકીય દુશ્મનો એનસીપી અને કોંગ્રેસની સાથે મળીને સરકાર બનાવવાનુ વિચારી રહી છે. એનસીપીએ પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે, પણ કોંગ્રેસ હજુ સુધી કંઇ બોલી નથી. માની શકાય છે કે કોંગ્રેસ હવે બહારથી સમર્થન નહીં પણ સરકારમાં સામેલ થઇ શકે છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમતી મળી છે, પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે વાત અટકી હતી, શિવસેનાની માંગ હતી કે, રાજ્યમાં 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બને અને મુખ્યમંત્રી શિવસેનાનો હોય. વળી સામે પક્ષે બીજેપી શિવસેનાની માંગોને નકારી દીધી હતી.



શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.