Supreme Court Shiv Sena : શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શિવસેનાનું નામ અને ચૂંટણી પ્રતીકને લઈને આપેલ ચૂંટણી પંચના આદેશ પર સ્ટે લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથને આ કેસમાં બે અઠવાડિયામાં જ જવાબ આપવા કહ્યું છે. વડી અદાલતે કહ્યું હતું કે, અમે ચૂંટણી પંચના નિર્ણય પર રોક ના લગાવી શકીએ. જ્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર શિવસેના નેતા રાહુલ શેવાલે કહ્યું હ્તું કે, અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ.


ઉદ્ધવ ઠાકરેની અરજી પર સુપ્રીમ કોર્ટે દખલ દેતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ચૂંટણી પંચને બે અઠવાડિયામાં જવાબ આપવા માટે નોટિસ ફટકારી હતી. કોર્ટે બેંક ખાતા અને સંપત્તિ ટેકઓવર કરવા પર પણ કોઈ જ પ્રતિબંધ લગાવ્યો નથી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના આદેશ બાદ કાર્યવાહી પર કોઈ જ પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કરી દીધો છે.


આ મામલે એકનાથ શિંદે જૂથના વકીલ મનીન્દર સિંહે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના હુકમ બાદ જ ચૂંટણી પંચે એક રાજકીય પક્ષમાં ફૂટની સ્થિતિમાં પાર્ટીના નામ અને તેના નિશાન વિશે નિર્ણય લીધો છે. શિંદે જુથ તરફથી કોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે, તે હવે  અયોગ્યતાની કાર્યવાહી નહીં કરે. 


બીજી બાજુ, ઠાકરે જૂથના નેતા અનિલ પરબે કહ્યું છે કે, અમારી SLPમાં અમે શિંદે જૂથને ફાળવવામાં આવેલા ચૂંટણી પ્રતીક અને નામને યથાવત રાખવાની માંગ કરી છે. પરંતુ કોર્ટે સ્વીકાર્યું કે, સુનાવણી 2 અઠવાડિયા બાદ થશે અને ત્યાં સુધી અમે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નામ સાથે યથાવત રાખી શકીશું. ઉપરાંત ત્યાં સુધી અમારા ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની નોટિસ આપવામાં આવશે નહીં અને તેમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નહીં.


ઉદ્ધવ કેમ્પે સુપ્રીમ કોર્ટ પાસે કરી હતી આ માંગણી 


અગાઉ મંગળવારે એક અસામાન્ય ભગલુ ભરતા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના જુથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના કેમ્પના શિવસેનાના ધારાસભ્યો સામેની પડતર ગેરલાય ઠેરવતી કાર્યવાહી પર નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ કહ્યું હતું કે, બંધારણની લોકતાંત્રિક ભાવનાને જાળવી રાખવાનો આ એકમાત્ર રસ્તો હશે.


ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને 'ધનુષ અને તીર' ચૂંટણી ચિન્હ ફાળવવાનો આદેશ આપ્યો હતો. પક્ષના નિયંત્રણ માટે લાંબી લડાઈ બાદ તેના 78 પાનાના આદેશમાં ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી "મશાલ" ચૂંટણી પ્રતીક જાળવી રાખવાની મંજૂરી આપી હતી.


પંચે જણાવ્યું હતું કે, 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના 55 વિજેતા ઉમેદવારોમાંથી લગભગ 76 ટકા મત એકનાથ શિંદેનું સમર્થન કરતા ધારાસભ્યોની તરફેણમાં પડ્યા હતા. મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના વિજેતા ઉમેદવારોની તરફેણમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને 23.5 ટકા મત મળ્યા હતા.