નવી દિલ્હી: રાહુલ ગાંધીએ સાવકર પર આપેલા નિવેદન પર વિવાદ શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ સાથે સરકારની સહયોગી પાર્ટી શિવસેનાએ રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે સાવરકર માત્ર મહારાષ્ટ્રના જ નહીં પણ દેશના દેવતા છે. તેમનું સન્માન થવું જોઈએ.

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ‘ભારત બચાઓ’ રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, એ લોકોએ મને કહ્યું માફી માંગો. મારું નામ રાહુલ સાવરકર નથી, મારુ નામ રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી નહી માંગુ. માફી નરેંદ્ર મોદીએ માંગવાની છે. નરેંદ્ર મોદીએ દેશની માફી માંગવી જોઈએ. અમિત શાહે દેશની માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપે પણ પલટવાર કર્યો હતો.

સંજય રાઉતે ટ્વિટર પર લખ્યું, “વીર સાવરકર માત્ર મહારાષ્ટ્રના જ નહીં પરંતુ દેશના દેવતા છે. તેના પર દેશને ગર્વ અને ગૌરવ છે. નેહરુ-ગાંધીની જેમ જ સાવરકરે પણ સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યું. એવા તમામ દેવતાઓનું સન્માન કરવું જોઈએ. ”


અન્ય એક ટ્વીટ માં સંજય રાઉતે લખ્યું, “અમે પંડિત નેહરુ, મહાત્મા ગાંધીનું સન્માન કરીએ છીએ. આપ વીર સાવરકરનું અપમાન ના કરો. સમજદારને વધુ કહેવાની જરૂર નથી.”

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ રાહુલ ગાંધીના આ નિવેદનની ટીકા કરી હતી.