ભોપાલઃ મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન સાથે રાજ્યમાં ચાલી રહેલું શિવરાજ સિંહ ચૌહાણનું રાજ ખત્મ થઈ ચૂક્યું છે. બુધવારે જ્યારે શિવરાજ સિંહ ચૌહાણ પોતાના વિધાનસભા ક્ષેત્ર બુધની પહોંચ્યા ત્યારે ભાવુક થઇ ગયા હતા. અહીં લોકોને સંબોધિત કરતા શિવરાજ સિંહે કહ્યું કે, કોઇએ એ ચિંતા કરવાની જરૂર નથી કે અમારુ શું થશે, હું છું ને શિવરાજ સિંહ ચૌહાણ, ટાઇગર અભી જિંદા હૈ.
શિવરાજ સિંહ ચૌહાણ 2005થી રાજ્યના મુખ્યમંત્રી હતા. 11 ડિસેમ્બરના રોજ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ રાજ્યમાં સતત ચોથી વખત સરકાર બનાવી શકી નહોતી. જોકે, સત્તા ગુમાવ્યા બાદ પણ શિવરાજ સિંહના વખાણ થઇ રહ્યા છે. લોકોને સંબોધિત કરતા શિવરાજ સિંહે એક નંબર જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે તે સેવા માટે સદાય ઉપલબ્ધ રહેશે. નોંધનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહને નવો બંગલો આપવામાં આવ્યો છે. શિવરાજ સિંહ હવે ભોપાલની પ્રોફેસર કોલોનીમાં બનેલા બંગલામાં રહેશે.