ત્રણેય પક્ષોએ જે રીતે વાયદાઓ કર્યા છે તે પ્રમાણે મહારાષ્ટ્રના દરેક તાલુકામાં એક રૂપિયામાં સારવાર મેળવવા માટેના હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે, દરેક જિલ્લામાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે. રાજ્યના દરેક વ્યક્તિને મેડિકલ ઈન્સ્યોરન્સ આપવામાં આવશે.
આર્થિક રીતે પછાત છોકરીઓને ફ્રી શિક્ષણ આપવામાં આવશે. શહેર અને જિલ્લામાં વર્કિંગ મહિલાઓ માટે હોસ્ટેલ બનાવાશે. આંગણવાડીની આશા વર્કર બહેનોના પગારમાં વધારો કરાશે. મહિલા સશક્ત બનાવવા માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવાશે.
પત્રકાર પરિષદમાં શિવસેના-એનસીપી અને કૉંગ્રેસના નેતાઓએ કહ્યું કે અમારૂ લક્ષ્ય મહારાષ્ટ્રને પ્રગતિના પથ પર આગળ કરવાનું છે. ત્રણેય પાર્ટીઓના નેતાઓએ કહ્યું ખેડૂતો, બેરોજગાર અને વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કહ્યું ગઠબંધન સરકાર ગરીબોના હિતને સર્વોપરિ રાખશે.
મહારાષ્ટ્રમાં શિવસેના- રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી- કોંગ્રેસ આજે સરકાર બનાવવાની છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 6 વાગ્યે 40 મિનિટ પર મુખ્યમંત્રી પદના શપથ લેશે. હવે જે રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે તે મુજબ શપથ ગ્રહણ સમારોહ બાદ આજે કેબિનેટની પ્રથમ બેઠક મળશે. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.