નવી દિલ્હીઃ લોકસભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર ભારતીય જનતા પાર્ટીની સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરૂદ્ધ ભાજપે કડક કાર્યવાહી કરી છે. ગુરુવારે ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને સંરક્ષણ મંત્રાલયની સમિતિમાંથી હટાવવામાં આવ્યા છે. પાર્ટીની સંસદીય બેઠકમાં પણ તેમના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે નાથૂરામ ગોડસેને ‘દેશભક્ત’ કહેવાનાં સંદર્ભમાં બીજેપીનાં અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, “સંસદમાં કાલે આપવામાં આવેલું તેમનું નિવેદન નિંદનીય છે. બીજેપી ક્યારેય પણ આ પ્રકારની વિચારધારાને સમર્થન નથી કરતી.”

બુધવારે સંસદમાં નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા જે બાદ વિવાદ વધ્યો હતો. તો સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પ્રજ્ઞા ઠાકુર વિરૂદ્ધ પક્ષ ઘણો જ નારાજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, પ્રક્ષા ઠાકુરે સંસદમાં નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદથી સોશિયલ મીડિયા પર ભારે નિંદા થઈ રહી છે. તો વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ તેમના આપત્તિજનક નિવેદન પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાધ્વી પ્રજ્ઞાનું નામ લીધા વગર ટ્વીટ કરી ભાજપ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટમાં લખ્યું છે કે દેશના સંસદમાં ઊભા રહીને ભાજપના એક સાંસદે ગોડસેને દેશભક્ત ગણાવ્યા, હવે વડાપ્રધાન જી કે જેઓએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ધામધૂમથી મનાવ્યો છે તેઓ દિલથી જણાવે કે ગોડસે અંગે તેમના શું વિચાર છે. પ્રિયંકા પોતાના ટ્વીટમાં છેલ્લે મહાત્મા ગાંધી અમર રહે પણ લખ્યું છે.

ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે હું તે મહિલા અંગે બોલવા નથી માગતો. આ આરએસએસ અને ભાજપનો આત્મા છે, જે કયાંકને ક્યાંકથી નીકળશે. તેઓ ગાંધીજીની ગમે તેટલી પૂજા કરે તેમની આત્મા આરએસએસની જ છે.