ઘટના દક્ષિણી દિનાપુર જિલ્લાના ગંગરામપુરની છે. શિક્ષિકાના મતે તેણે રસ્તાના નિર્માણ માટે બળજબરીપૂર્વક તેની જમીનનું અધિગ્રહણ કરવામાં આવી રહ્યું હતું તેનો વિરોધ કર્યો હતો. જેનાથી નારાજ લોકોએ તેના પગ દોરડાથી બાંધી તેને ઢસેડી હતી અને બાદમાં તેની સાથે મારપીટ કરી હતી. અંતમાં આરોપીઓએ શિક્ષિકાને તેના ઘરમાં બંધ કરી દીધી હતી.
પીડિત શિક્ષિકાએ આરોપ લગાવ્યો હતો કે તેની માતા અને બહેન સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ ટીએમસીના જિલ્લા અધ્યક્ષ અર્પિતા ઘોષે પંચાયત નેતા અમલ સરકારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો. શિક્ષિકાએ કહ્યું કે, પહેલા રસ્તો 12 ફૂટ પહોળો બનાવવામાં આવી રહ્યો હતો અને આ માટે તે જમીન આપવા તૈયાર થઇ ગઇ હતી પરંતુ બાદમાં પંચાયતે રસ્તાની પહોળાઇ 28 ફૂટ કરી દીધી જેમાં તેની વધુ જમીન અધિગ્રહણ કરવામાં આવી હતી જેનો તેણે વિરોધ કર્યો હતો. જ્યારે શુક્રવારે રસ્તાનું કામ શરૂ થયું ત્યારે શિક્ષિકા અને તેની બહેને વિરોધ કર્યો હતો જેનાથી નારાજ કેટલાક લોકોએ શિક્ષિકા સાથે મારપીટ કરી હતી.