કેરળ : દક્ષિણ ભારતના કેરળમાં આવેલા મુવત્તુપુઝા ગામમાં આવેલી કાપડની દુકાને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ દુકાનનું નામ કોરોના છે. કોચ્ચિથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલી આ કપડાંની દુકાનના માલિક પારેડ છે. અનેક વર્ષોથી તેમને લોકપ્રિય રીતે કોરોના પેયરેડ તરીકે ઓળખવામાં આવે છે. તેમની દુકાનનું નામ કોરોના અનેક વર્ષોથી છે પરંતુ વાયરસના કારણે તેમની દુકાન રાતોરાત ફેમસ થઈ ગઈ છે.



એક ખાનગી ચેનલમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે, ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં દુકાનના માલિકે કહ્યું હતું કે, લોકો દુકાનની પાસે આવીને સેલ્ફી લેવા પડાપડી કરે છે. કેટલાક લોકો મને જોઈને હસીને જતાં રહે છે. હું જોઈ છું કે જ્યારે લોકો ગાડીમાંથી બહાર આવે છે તો દુકાનનું નામ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ જાય છે અને ગાડીને રોકીને ધ્યાનથી જોવા લાગે છે.


કેટલાક લોકો તો દુકાનની પાસે આવવાનું પણ ટાળે છે. પરંતુ તે લોકોને દુકાન સાથે સેલ્ફી પણ લેવી હોય છે તેથી તેઓ દૂરથી જ દુકાન સાથેની સેલ્ફી લેતાં જોવા મળે છે.


કોરોના કપડાંની દુકાનની સાથોસાથ સ્ટિચિંગ યૂનિટ પણ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, દુકાનનું નામ તમે આવું કેમ રાખ્યું છે તો તેઓએ જણાવ્યું કે, મેં ડિક્શનરીમાં આ શબ્દને જોયો. તેને વાંચતા જ મને સારો લાગ્યો તો મેં દુકાનનું નામ ‘કોરોના’ રાખી દીધું.


નોંધનીય છે કે, ભારતમાં સૌથી પહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ કેરળમાં જ સામે આવ્યો હતો. મંગળવાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસને કારણે કુલ 4 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.