કાશ્મીરઃ દક્ષિણી કાશ્મીરના અમશીપોરા એન્કાઉન્ટર મામલામાં સૈન્યએ પોતાની જ રાષ્ટ્રીય રાઇફલ્સની એક યુનિટના અધિકારીઓ અને સૈનિકોને પ્રાથમિક દ્રષ્ટીએ દોષિત માનતા તેમના વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ અધિકારીઓ અને સૈનિકોએ આર્મ્ડ ફોર્સ સ્પેશ્યલ પાવર એક્ટ એટલે કે આફસ્પા અંતર્ગત મળેલી સત્તાનું ઉલ્લંઘન કર્યું હતું. એટલું જ નહી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આર્મી દ્ધારા બનાવવામાં આવેલા કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન માટે બનાવવામાં આવેલા ચાર્ટરનો પણ ભંગ કર્યો હતો.




આ કાર્યવાહીના આદેશ ત્યારે આપવામાં આવ્યા જ્યારે આર્મી ચીફ જનરલ એમએમ નરવણે બે દિવસ કાશ્મીર પ્રવાસ પર હતા. તે ત્યાં એલઓસી અને કાશ્મીર ઘાટીની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે પહોંચ્યા હતા. શ્રીનગર સ્થિત સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, 19 જૂલાઇના રોજ શોપિયાંના અમશીપોરામાં થયેલા એન્કાઉન્ટ મામલામાં તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને તપાસકર્તાઓએ આ મામલામાં આરોપીઓ (સૈન્ય અધિકારીઓ અને સૈનિકો) વિરુદ્ધ આર્મી એક્ટ હેઠળ કાર્યવાહીના આદેશ આપ્યા છે. જોકે સૈન્યએ એ સ્પષ્ટતા નહોતી કરી કે આ મામલામાં કેટલા સૈન્ય અધિકારીઓ અને સૈનિકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે દક્ષિણ કાશ્મીરના અમશીપોરા એન્કાઉન્ટર કેસમાં છેલ્લા મહિને સૈન્યએ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા હતા. જે હેઠળ રાજૌરી જિલ્લામાંથી ગુમ થયેલા ત્રણ મજૂરોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેથી માર્યા ગયેલા ‘આતંકીઓ’ના ડીએનએની તપાસ કરવામાં આવે. 18 જૂલાઇના રોજ શોપિયાંના અમશીપોરામાં સૈન્યએ ત્રણ આતંકીઓ માર્યાનો દાવો કર્યો હતો પરંતુ સોશિયલ મીડિયામાં આવેલા રિપોર્ટના આધાર પર સૈન્યએ આ મામલામાં કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા હતા.

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે જે ત્રણ ‘આતંકીઓ’ને સેનાએ ઠાર માર્યા હતા એ ત્રણેય જમ્મુ કાશ્મીરના જ રાજૌરી જિલ્લાના મજૂર હતા અને પોતાના ઘરથી ગુમ હતા. સૈન્યએ જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી ગુમ થયેલા મજૂરોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ કલેક્ટ કર્યા. બાદમાં કેટલાક અન્ય સાક્ષીઓના નિવેદન પણ નોંધ્યા હતા.

કર્નલ રાજેશે કહ્યું કે, હજુ સુધી માર્યા ગયેલા મજૂરોના ડીએનએ રિપોર્ટ આવ્યા નથી પરંતુ એ વાતની પુષ્ટી થઇ ગઇ છે કે માર્યા ગયેલા ત્રણેય ‘આતંકી’ની ઓળખ ઇમ્તિયાઝ અહમદ, અબરાર અહમદ અને મોહમ્મદ અબરારના રૂપમાં થઇ હતી જે મૂળ રાજૌરી જિલ્લાના હતા. આ ત્રણેય યુવકોના આતંકી સંગઠનો સાથે સંબંધ હોવાની તપાસ જમ્મુ કાશ્મીર પોલીસ કરી રહી છે.