નવી દિલ્હીઃ પીએમ મોદીએ કોરોના સંકટને ધ્યાનમાં રાખી વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જેને લઈ છેલ્લા ચાર દિવસથી નાણા મંત્રી સીતારમણ સ્ટ્રક્ચરલ રિફોર્મ સંબંધિત યોજનાની જાહેરાત કરી રહ્યા છે. આજે પાંચમા દિવસે પણ તેમણે વિવિધ યોજનાની જાહેરાત કરી હતી.


જેમાં તેમણે જણાવ્યું કે,  20 કરોડ જનધન ખાતામાં 10,225 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. 2.2 કરોડ બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન વર્કર્સને 3950 કરોડ આપવામાં આવ્યા છે. 6.81 કરોડ લોકોને ફ્રી એલપીજી સિલિન્ડર આપવામાં આવ્યા છે. આ પછી તેમણે શ્રમિક ટ્રેનના ભાડાને લઈ સ્પષ્ટતા કરી હતી.

સીતારમણે કહ્યું, પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવાનો 85% ખર્ચ કેન્દ્ર સરકાર આપી રહી છે. મજૂરોને ટ્રેનમાં જમવાનું આપવામાં આવી રહ્યું છે. પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રમિકો માટે વધારે ટ્રેન દોડાવવામાં આવશે.


થોડા દિવસો પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશભરમાં ફસાયેસા શ્રમિકો માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, દેશભરમાં ફસાયેલા મજૂરોને પરત લાવવાનો રેલવેનો ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે. પ્રદેશ કોંગ્રેસ કમિટીનું દરેક એકમ જરૂરિયાતમંદ શ્રમિક તથા કામદારને ઘરે પરત ફરવાની રેલવે ટિકિટનો ખર્ચ ઉપાડશે અને તે માટે જરૂરી પગલા લેશે તવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે.