Sidhu Moose Wala Murder Case : સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે પંજાબ પોલીસે પંજાબ અને ઉત્તરાખંડની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) સાથે સંયુક્ત ઓપરેશનમાં લોકપ્રિય ગાયકની હત્યાના સંબંધમાં દેહરાદૂનના પેલિયન પોલીસ ચોકી વિસ્તારમાંથી છ શખ્સોની અટકાયત કરી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા તમામ છ લોકોની હાલમાં પંજાબ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગઈકાલે 29 મેં ના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તિહાર જેલ પ્રશાસન સાથે મળીને, મૂઝ વાલાની હત્યાના સંબંધમાં લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને સંપત નેહરાના કેદીઓના સેલની તપાસ કરી હતી. જો કે અધિકારીઓને સર્ચ દરમિયાન કોઈ મોબાઈલ ફોન મળ્યો ન હતો.
બિશ્નોઈ અને નેહરા જેલ નંબર 8 માં બંધ છે જ્યારે ભગવાનપુરિયા જેલ નંબર 5 માં બંધ છે.પંજાબ પોલીસને આ હત્યામાં બિશ્નોઈ અને તેના સાથીઓની સંડોવણી હોવાની શંકા છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુસેવાલાની સુરક્ષા ઘટાડવાના નિર્ણયની તપાસના આદેશ આપ્યા છે. મુસેવાલાની હત્યાની નિંદા કરતા, માને કહ્યું કે રાજ્ય સરકાર આ જઘન્ય અપરાધના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે કોઈ કસર છોડશે નહીં.
માને કહ્યું કે તે મુસેવાલાની હત્યાની તપાસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા કરાવશે.મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.
પંજાબના ડીજીપી વી.કે. ભાવરાએ રવિવારે કહ્યું કે મુસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી નથી, પરંતુ ઓછી કરવામાં આવી છે. માનની ટિપ્પણી ગાયકના પિતા દ્વારા કરવામાં આવેલી વિનંતીના જવાબમાં આવી હતી.
પંજાબના ટોચના પોલીસ અધિકારીએ રવિવારે કહ્યું હતું કે ચારમાંથી બે કમાન્ડોને તેમની સુરક્ષામાંથી અસ્થાયી રૂપે પાછા ખેંચી લેવામાં આવ્યા છે.પરંતુ બે કમાન્ડો હજુ પણ તેની સાથે જોડાયેલા હતા, પરંતુ તેણે તેમને સાથે લઈ જવાની ના પાડી દીધી અને એમ પણ કહ્યું કે આવવાની કોઈ જરૂર નથી.