Adar Poonawala Met AMit Shah: સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ શુક્રવારે કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ તેઓ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને પણ મળ્યા હતા. તેમણે સીરમ ઈન્સ્ટીટ્યૂટને સહાયતા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે કંપની કોવિશીલ્ડનું ઉત્પાદન વધારવાના પ્રયાસ કરી રહી છે જેથી માંગ પૂરી કરી શકાય. નવી દિલ્હીમાં ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા અદાર પૂનાવાલાએ કહ્યું કે કેંદ્ર સરકારે હંમેશા અમારી મદદ કરી  છે. અમે સહયોગ માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરીએ છીએ.



તેમણે કહ્યું કોઈ નાણાકીય  સંકટ નથી. સરકાર મદદ કરી રહી છે અને એવી અપેક્ષા છે કે ઓક્ટોબર સુધીમાં પુખ્ત વયના લોકો માટે કોવોવેક્સ રસી બજારમાં આવી જશે. પૂનાવાલાએ કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે  કોવોવેક્સ ઓક્ટોબરમાં શરુ થશે અને આ ડીજીસીઆઈની મંજૂરી પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે તે બે ડોઝની રસી હશે અને તેની કિંમત શરૂ થતાં નક્કી કરવામાં આવશે.


આગામી તબક્કામાં બાળકો માટે કોવોવેક્સ રસી



પૂનાવાલાએ વધુમાં કહ્યું કે અમે સતત રસીની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે બાળકોને રસી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "બાળકો માટે કોવોવેક્સ આવતા વર્ષે શરૂ થશે અને મોટા ભાગે જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં."


સરકારે શુક્રવારે લોકસભાને જણાવ્યું કે કોવિશીલ્ડ રસીની માસિક ઉત્પાદન ક્ષમતા 11 કરોડ ડોઝથી વધીને 12 કરોડથી વધારે કરવા અને કોવેક્સીનની ક્ષમતા દર મહિને અઢી કરોડ ડોઝથી વધીને આશરે 5.8 કરોડ કરવાની યોજના છે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પવારે લોકસભાને એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે રાષ્ટ્રીય કોવિડ 19 રસીકરણ કાર્યક્રમ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ 16 જાન્યુઆરીથી  પાંચ ઓગસ્ટ સુધી કોવિશીલ્ડની 44.42 કરોડ ડોઝ પૂરા પાડ્યા હતા, જ્યારે ભારત બાયોટેકએ કોવેક્સીનની 6.82 કરોડ ડોઝ પૂરા પાડ્યા હતા.