દેશના આ રાજ્યમાં 15 જૂનથી ખૂલશે સ્કૂલ અને કોલેજ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 May 2020 09:14 AM (IST)
કોલેજ અને યુનિવર્સિટીના વર્ગો બે પાળીમાં ચાલશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગ તથા અન્ય બાબતોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
ગંગટોકઃ સિક્કિમમાં 15 જૂનથી સ્કૂલ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી કુંગા નીમા લેપચાએ જણાવ્યું, ધોરણ 9 થી 12 તથા બોર્ડની પરીક્ષાના મહત્વને જોતાં આ ફેંસલો લેવામાં આવ્યો છે. સિક્કિમમાં હાલ કોરોનાનો એકપણ કેસ નથી. લેપચાએ જણાવ્યું કે, તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં સરકારના દિશાનિર્દેશને ધ્યાનમાં રાખીને ધોરણ 9 થી 12 સુધીના વર્ગો શરૂ થશે. નર્સરીથી લઈ આઠમા ધોરણ સુધીના ક્લાસ હાલ શરૂ નહીં થાય. આઠમા ધોરણ સુધીના વર્ગો આગામી આદેશ સુધી રદ્દ રહેશે. આ ઉપરાંત રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા ચાલુ રહેશે. લેપચાએ કહ્યું, સ્કૂલ ચાલુ થશે પરંતુ ત્યાં દૈનિક પ્રાર્થના સભા નહીં યોજાય. વાર્ષિક પરીક્ષા ફેબ્રુઆરી 2021 સુધી ટાળી દેવામાં આવી છે. સ્કૂલો શનિવારે પણ ચાલુ રહેશે. કોલેજ અને યુનિવર્સિટીના વર્ગો બે પાળીમાં ચાલશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગ તથા અન્ય બાબતોનું પાલન કરવું ફરજિયાત રહેશે. શિક્ષણ ખૂબ મહત્વનું છે અને તેની સાથે આપણે કોઈપણ ભોગે છેડછાડ ન કરવી જોઈએ.