નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે નોઇડાના સુપરટેક બિલ્ડર્સને ખરીદદારોના રૂપિયા પાછા ન આપવા મુદ્દે ફટકાર લગાવી હતી. આ કેસ નોઇડાના એમારાલ્ડ કોર્ટ એપાર્ટમેન્ટ છે. અહીં આવેલા બે ટાવરો પર અગાઉથી જ કોર્ટની તલવાર લટકી રહી છે. રોકાણકારોના પૈસા પાછા ન આપવા મુદ્દે આનાકાની કરી રહેલી સુપરટેક કંપનીને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તમારે રોકાણકારોના રૂપિયા પાછા આપવા જ પડશે. કંપની ડૂબે કે મરે એ સાથે અમારે કોઇ મતલબ નથી.
જસ્ટીસ દિપક મિશ્રા અને જસ્ટીસ એ.કે.ગોયલની બેન્ચે આદેશ આપ્યો હતો કે અમે તમારી આર્થિક સ્થિતિને લઇને ક્યારેય પરેશાન નથી. સુપરટેકને સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તમારે 17 મકાન ખરીદદારોને પાંચ જાન્યુઆરી 2015થી અપાયેલી રકમના 10 ટકા દર મહિને પાછા આપો અને અત્યાર સુધીનું એરિયસ ચાર સપ્તાહમાં આપો. વધુમાં બેન્ચે કહ્યું કે અમે સુપર ટેક પાસેથી નાણાં વસૂલીશું. જો કાલે ઇમારત તોડી પાડવાનો આદેશ આપવામાં આવશે તો શું બિલ્ડર પૈસા પાછા આપશે નહીં. જો બિલ્ડરનું મોત પણ થઇ જાય તો પણ અમે નાણા પાછા મેળવીશું.
સુપરટેકના વકીલ રાજીવ ધવને દલીલ કરતા કહ્યુ હતું કે, તમામ રોકાણકારો નાણા પાછા લેવા માંગતા નથી. કુલ 628 ફ્લેટ્સમાંથી 100 માલિકોએ પોતાના પૈસા પાછા માંગ્યા છે જ્યારે 74 પોતાના નાણા અન્ય પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને 440 રોકાણકારોએ કંપની સાથે રહેવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે, અલ્હાબાદ હાઇકોર્ટે 11 એપ્રિલ 2014ના રોજ નોઇડામાં સુપરટેક કંપનીના ઇમેરાલ્ડ કોર્ટ યોજનામાં બાંધવામાં આવેલા 40 માળના બે ટ્વિન્સ ટાવર તોડી પાડ઼વાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે ટાવર તોડી કે મકાન ખરીદદારોના પૈસા પાછા આપવાનો વિકલ્પ આપ્યો હતો.