અયોધ્યાથી રામલલાના ભક્તો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ ભક્તોને રામલલાને ઘરેલો પ્રસાદ ખવડાવવાની તૈયારીઓ કરી લીધી છે. જેના માટે રામકોટ વિસ્તારમાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં રામભક્તો માટે વિશાળ રસોડું અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રસ્ટનો પ્રયાસ છે કે ચૈત્ર મહિનાની રામનવમીના પ્રથમ દિવસથી સીતા રસોઈ ભોજનાલય શરૂ કરવામાં આવે. જેમાં ભક્તોને રામલલ્લાને ધરેલો ભોગનો પ્રસાદ વિનામૂલ્યે આપવામાં આવે.


કઈ જગ્યાએ પ્રસાદનું આયોજન કરવામાં આવશે


શ્રી રામ જન્મભૂમિ વિસ્તારમાં જ વિશ્વ હિન્દુ પરિષદનું ભવન લાંબા સમયથી છે. હવે ટ્રસ્ટ આ જ બિલ્ડિંગમાં સીતા રસોઈનું સંચાલન કરવા જઈ રહ્યું છે. જ્યાં રામ ભક્તોને મફત ભોજનનું વિતરણ કરવામાં આવશે. નોંધનિય છે કે, ત્રણ માળની આ ઇમારતમાં ઉપરના માળે રસોડું  હશે. જ્યાં ભોજન રાંધવામાં આવશે. તેની નીચે બેઝમેન્ટમાં અને પહેલા માળે રામલલાના ભક્તો બેસીને ભોજન કરશે અને રામલલાને ધરવામાં આવેલ પ્રસાદ લેશે. લગભગ 12:15 વાગ્યે તે સ્થળે પ્રસાદ લાવવામાં આવશે અને તેને તૈયાર કરેલા ભોજનમાં ભેળવ્યા બાદ રામલલાના તમામ ભક્તોને વિનામૂલ્યે આપવામાં આવશે. જેને સીતા રસોઇ શ્રી રામ અન્ના ક્ષેત્ર નામ પણ રાખવામાં આવશે.


કેવી છે આ સમગ્ર યોજના?


શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કેમ્પ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 2 એપ્રિલથી રામ ભક્તો માટે સીતા રસોઇ કાર્યરત થશે. જ્યાં રામલલ્લાને ધરવામાં આવેલ ભોજન પ્રસાદ ભક્તોને આપવામાં આવશે. આ ભોજન તમામ શ્રદ્ધાળું અને રામ ભક્તોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે સીતા રસોઇનું સંચાલન રામજન્મભૂમિથી 100 મીટરના અંતરે જ કરવામાં આવશે. જ્યાં રામલલાના ભોજન પ્રસાદમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં.


જે કોઈપણ વ્યક્તિ શ્રદ્ધાથી ભોજન કરવા માંગશે તેને મફત ભોજન આપવામાં આવશે. ટ્રસ્ટની પ્રાથમિકતા એ છે કે રામલલાના અન્ન પ્રસાદનું વિતરણ ભક્તોમાં સતત થતું રહે. પરંતુ પ્રાથમિકતા તરીકે નવરાત્રીના પ્રથમ દિવસથી તેનું સંચાલન કરવામાં આવશે. આ રામ નવમી સુધી ચાલુ રહેશે અને જો અન્ન પ્રસાદના વિતરણમાં કોઈ ટેકનિકલ સમસ્યા ન સર્જાય  અને ભક્તોની સંખ્યા અવિરતપણે રહેશે તો પછી તે સતત કાર્યરત રહેશે.