શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. સુરક્ષાદળોએ એક અથડામણમાં બ્રિજબિહારામાં છ આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ જૈશ-એ –મોહમ્મદના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આતંકીઓ હોવાની સૂચના મળ્યા બાદ સવારે લગભગ છ વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું. હાલમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઓપરેશન શરૂ થયાની થોડી જ મિનિટોમાં જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વિટ કરી જણાવ્યું કે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ સેકીપોરા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, અનંતનાગમા મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. 20 નવેમ્બરના રોજ શોપિયા જિલ્લામાં એક ગામમાં થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. આ દરમિયાન ભારતીય સૈન્યનો એક જવાન શહીદ થયો હતો. જ્યારે ચાર નાગરિક પણ આ અથડામણમાં ઇજાગ્રસ્ત થયા હતા.