નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી(જેએનયુ)માં જવા પર હોબાળો મચી ગયો છે. ભાજપ નેતા અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ તેના પર નિશાન સાંધતા કહ્યું કે, દીપિકા પાદુકોણ એવા લોકો સાથે ઊભી રહી હતી જે ભારતના ટૂકડા કરવા માંગે છે. હું જાણવા માંગુ છું કે તે રાજકીય રીતે કોની સાથે જોડાયેલી છે.


સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જે પણ આ અહેવાલ વાંચશે તે ચોક્કસ જાણવા માંગશે કે દીપિકા જેએનયુમાં પ્રદર્શનકારીઓ વચ્ચે શા માટે ગઈ હતી. અમારા માટે ચોંકાવનારી વાત નથી કે તે એવા લોકો સાથે હતી. જે ભારતના ટૂકડા ટૂકડા કરવા માંગે છે. તે એવા લોકો સાથે હતી, જેમણે લાકડીઓથી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ્સ પર હુમલા કર્યા હતા.

આટલુંજ નહીં સ્મૃતિએ દીપિકા પણ કૉંગ્રેસ સાથે સાઠગાંઠ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, દીપિકાએ 2011માં કહ્યું હતું કે તે કૉંગ્રેસને સપૉર્ટ કરે છે. જે લોકો તેના જેએનયુમાં જવાથી આશ્ચર્યમાં છે. તે આ વાતને નહીં જાણતા હોય.

સ્મૃતિ ઈરાની સિવાય ભાજપના અનેક નેતાઓ દીપિકા પર સવાલો ઉઠાવી રહ્યાં છે. એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી અનિકેત ઓવ્હાલે કહ્યું હતું કે દીપિકાએ બૉલિવૂડ એક્ટ્રેસની જેમ કામ કરવું જોઈએ. તેણે પહેલા જેએનયુના મામલાને સમજવો જોઈએ, તેના બાદ કોઈની સાથે મંચ પર જવું જોઈએ.

આ મામલે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે માત્ર કલાકાર જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરવા માટે ગમે ત્યાં જઈ શકે છે અને તેમાં કોઈ પણ વાંધો હોઈ શકે નહીં.જાવડેકરે કહ્યુ , હિંસાને દેશમાં કોઈ સ્થાન નથી. યુનિવર્સિટી જેવા સ્થળે લોકો અભ્યાસ માટે જાય છે. એવામાં હિંસાને ત્યાં કોઈ સ્થાન નથી.