Modi Cabinet News: રાષ્ટ્રપતિએ કેન્દ્રીય કેબિનેટમાંથી મુખ્તાર અબ્બાસ નકવી, આરસીપી સિંહનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. આ સાથે જ સ્મૃતિ ઈરાનીને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે અને જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત સ્ટીલ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ભવન દ્ધારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો પણ આપવામાં આવે. કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઉપરાંત સ્ટીલ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે.
પીએમ મોદીએ બંને મંત્રીઓના વખાણ કર્યા
કેબિનેટની બેઠક દરમિયાન પીએમ મોદીએ તેમના યોગદાન માટે મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહ બંનેની પ્રશંસા કરી હતી.
રાજ્યસભાના સભ્ય તરીકેનો કાર્યકાળ આવતીકાલે સમાપ્ત થઈ રહ્યો છે
રાજ્યસભાના સભ્ય તરીકે બંને નેતાઓનો કાર્યકાળ 7 જુલાઈ એટલે કે ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. બંને પ્રધાનોએ તેમની બંધારણીય જવાબદારી પૂરી કરવા માટે રાજીનામું સુપરત કર્યું કારણ કે તેઓ શુક્રવારથી સાંસદ તરીકેનું પદ છોડી દેશે. ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવી રાજ્યસભાના ઉપનેતા પણ રહી ચૂક્યા છે. જ્યારે આરસીપી સિંહ જેડી (યુ) ક્વોટામાંથી મોદી કેબિનેટમાં મંત્રી હતા. નકવીના રાજીનામા બાદ કેન્દ્રમાં કોઈ મુસ્લિમ મંત્રી નહીં હોય અને ભાજપના 400 સાંસદોમાંથી કોઈ મુસ્લિમ સાંસદ નહીં હોય.
મોદી કેબિનેટમાં ક્યારે બન્યા હતા મંત્રી?
મુખ્તાર અબ્બાસ નકવી 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદી મંત્રાલયમાં લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી બન્યા. 2016માં નજમા હેપતુલ્લાના રાજીનામા બાદ તેમને લઘુમતી બાબતોના મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો. તેમણે 2019માં નરેન્દ્ર મોદીની કેબિનેટમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા અને લઘુમતી બાબતોના મંત્રી રહ્યા હતા. બીજી તરફ આરસીપી સિંહ રાજકારણમાં આવ્યા પહેલા યુપી કેડરના આઈએએસ અધિકારી હતા. એક વર્ષ પહેલા તેમણે કેન્દ્રીય સ્ટીલ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ JD(U) ક્વોટામાંથી મોદી કેબિનેટમાં મંત્રી બન્યા.