Weather Update: ગુજરાતની સાથે પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સિરોહી હિલ સ્ટેશન પર હવામાન બદલાયું છે, માઉન્ટ આબુમાં કરા અને વરસાદ પડ્યો છે. ગુરુશિખર, અચલગઢ સહિત અનેક સ્થળોએ હિમવર્ષા થઈ છે. જેના કારણે પહાડો અને ઘરોની છત પર બરફની ચાદર છવાઈ ગઈ છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જિલ્લાના પિંડવાડા, સ્વરૂપગંજમાં ઘણી જગ્યાએ કરા પડ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.
બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢ વિરમ પર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. બપોર બાદ ઈકબાલગઢ વિસ્તારમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. કમોસમી વરસાદ વરસતા ઘઉં, એરંડા, જીરું બટાકાના પાકોને ભારે નુકશાન થવાની ભીતિ છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ , રાજકોટ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, પાટણમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 કિમિ પ્રતિ કલાક ની રહેશે. આ વિસ્તારોમાં સામાન્ય ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે.
અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ, ધારી પંથકને બનાવ્યુ નિશાન
અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદે ધારી પંથકને નિશાન બનાવ્યું છે. ધારીના ગીર કાંઠાના ચાંચઈ, પાણીયા, આંબાગાળા, સહિતના ગામોમાં કમોસમી વરસાદ છે. ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક હળવા ઝાપટાં પડ્યા છે. ચાર દિવસથી વરસતા કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે સૌથી વધુ નુકસાનની ભીતી છે.
અમરેલીમાં ગઈકાલે આભમાંથી વરસ્યા કરા
હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલે રાજ્યના 15 જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેતીના પાકને મોટી નુકસાની ગઈ છે. કેરી,ચીકુ અને કપાસના પાકને મોટી નુકસાની ગઈ છે. અમરેલી અને જુનાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢના આંબાજળ નદીમાં પૂર આવ્યું હતું. વિસાવદર પંથકમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મુંડીયારાવણી, વેકરીયા, રાજપરા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે. તો બીજી તરફ અમરેલી જિલ્લામાં વરસાદ આવતા નદીમાં પુર આવ્યું હતું. ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીના બોરડી ગામે શેત્રુજી નદીમાં પૂર આવ્યું હતું. તો ધારીના મીઠાપુર નક્કી ગામે પણ નદીમાં પૂર આવ્યું હતું. ધારીના મીઠાપુર, દલખાણીયા, કુબડા, ચાચઇ પાણીયા,ગીગાસણ, ગોવિંદપુર, ફાચરિયા, સરસિયા, જીરા, ખિસરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.