કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ ઉપવાસની જાહેરાત કરનાર સમાજસેવી અન્ના હજારે હવે ઉપવાસ નહી કરે. ભાજપના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા કેન્દ્રીય પ્રધાન કૈલાશ ચોધરી સાથેની મુલાકાત બાદ અન્ના હજારેએ જણાવ્યું કે હું હવે કૃષિ કાયદાની વિરૃદ્ધ ઉપવાસ કરવાનો નથી.

અન્ના હજારેએ કહ્યું કે કેન્દ્ર સરકાર મારી કેટલીક માંગ પર સંમત થઈ છે અને ખેડૂતોની દશા સુધારવા એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. જેના કારણે મેં અનિશ્ચિત ભૂખ હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ના હજારે કેન્દ્રના કૃષિ કાયદાની વિરૃદ્ધમાં 30 જાન્યુઆરીએ તેમના વતન રાલેગામ સિદ્ધીમાં અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ પર ઉતરવાના હતા.

હજારેએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે હું કૃષિ સેક્ટરમાં સુધારાની માંગ કરતો રહ્યો છું પરંતુ કેન્દ્ર સરકાર સાચો નિર્ણય લઈ રહી હોય તેવું દેખાતું નથી. હજારેએ કહ્યું કે ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકાર જરા પણ સંવેદનશીલ નથી. તેથી હું 30 જાન્યુઆરીએ મારા ગામમાં અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ પર ઉતરવાનો છું. 83 વર્ષીય અન્ના હજારેએ પોતાના સમર્થકોને પોતાના ગામમાં એકત્ર ન થવાની અપીલ કરી હતી.