કેરળ હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપતા કહ્યું છે કે જમાઈ તેના સસરાની મિલકત અને મકાનમાં કોઈ કાયદાકીય અધિકારનો દાવો કરી શકે નહીં.



જસ્ટિસ એન અનિલ કુમારે કન્નૂરના તલીપરંબાના ડેવિસ રાફેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવતા આદેશ જારી કર્યા, જેમાં તેમણે પોતાના સસરા હેંડ્રી થૉમસની સંપતિ પર તેમના દાવાને ફગાવતા સબ કોર્ટ પય્યનૂરના આદેશ વિરુદ્ધમાં અરજી દાખલ કરી હતી. 



સસરાએ ટ્રાયલ કોર્ટ સમક્ષ દાવો દાખલ કર્યો જેમાં ડેવિસને તેની મિલકતમાં અતિક્રમણ કરવાથી અથવા મિલકત અને મકાનના શાંતિપૂર્ણ કબજા અને આનંદમાં હસ્તક્ષેપ કરવાથી અટકાવતા કાયમી મનાઈ હુકમનો દાવો કર્યો હતો. હેન્ડ્રીએ સેન્ટ પોલ ચર્ચ, ત્રિચંબરમ માટે અને તેના વતી ફાધર જેમ્સ નસરથ દ્વારા ભેટ દ્વારા મિલકત મેળવી હોવાનો દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, તેમણે પોતાના ખર્ચે  પાકુ મકાન બનાવ્યું છે  અને તેઓ તેમાં તેમના પરિવાર સાથે રહે છે. તેમણે દલીલ કરી હતી કે તેમના જમાઈનો મિલકત પર કોઈ પ્રકારનો અધિકાર નથી.



જમાઈએ દલીલ કરી હતી કે મિલકતનું શીર્ષક જ શંકાસ્પદ છે કારણ કે  કથિત ભેટ  ચર્ચના અધિકારીઓ દ્વારા પરિવાર માટે ચલાવવામાં આવી હતી. તેણે હેન્ડ્રીની એકમાત્ર પુત્રી સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી  તેને વ્યવહારીક રુપથી પરિવારના સભ્ય તરીકે  અપનાવવામાં આવ્યો છે. આથી, તેણે કહ્યું કે તેને ઘરમાં રહેવાનો અધિકાર છે, નીચલી કોર્ટે માન્યું હતું કે જમાઈનો સસરાની મિલકતમાં કોઈ અધિકારી નથી.


હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે જમાઈને પરિવારના સભ્ય છે તે માનવું મુશ્કેલ છે. કોર્ટે કહ્યું, તેને હેન્ડ્રીની પુત્રી સાથેના લગ્ન કર્યા બાદ જમાઈ માટે એ દલીલ કરવી શરમજનક છે કે તેને પરિવારના સદસ્ય તરીકે ગોદ લેવામાં આવ્યો છે.