નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 માટે કોગ્રેસ શુક્રવારે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કુલ 40 નેતા છે જે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરશે અને ઉમેદવારો પાસે મત માંગશે. આ યાદીમાં કોગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સિવાય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નામ સામેલ છે. તે સિવાય ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનું નામ સામેલ છે.


નોંધનીય છે કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી આગામી 10 ઓક્ટોબરથી લઇને 19 ઓક્ટોબર સુધી બંન્ને રાજ્યોમાં રોડ શો અને રેલીઓ કરશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે જ્યારે ત્રણ દિવસ બાદ એટલે કે 24 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરાશે.