નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાકિસ્તાનમાં શીખોના પવિત્ર સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા પર ભીડ દ્વારા થયેલો હુમલા અને નારેબાજીની ઘટના પર ચિંતા વ્યક્ત કરતા નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ મામલે આરોપીઓ પર કાર્યવાહી માટે ભારત સરકાર પાકિસ્તાન પર દબાણ બનાવે.


શીખ શ્રદ્ધાળુઓ અને આ પવિત્ર સ્થળના કર્મચારીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ભારત સરકાર આ મામલાને તાત્કાલિક પાકિસ્તાન સરકાર સામે ઉઠાવે જેથી શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિચ્છિત કરી શકાય અને આગળ આ પ્રકારના હુમલાને રોકી શકાય. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારે આરોપીઓ સામે તત્કાલ ફરિયાદ નોંધવા અને તેની ધરપકડ કરી કાર્યવાહી કરવા માટે સરકાર પર દબાણ બનાવવું જોઈએ.


ઉલ્લેખનીય છે કે શુક્રવારે પાકિસ્તાનમાં શીખોના પવિત્ર સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારો થયો હતો. હુમલાખોરોએ કહ્યુ હતું કે, તે જલદી આ સ્થળનું નામ નનકાના સાહિબમાંથી બદલીને ગુલામ-એ-મુસ્તફા કરાવશે. કોઇ પણ શીખ નનકાનામાં રહેશે નહીં. ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા પથ્થરબાજોની ધરપકડ કરી હતી.

નનકાના સાહિબ ગુરુદ્વારા પર શુક્રવારે ભીડ દ્વારા થયેલા હુમલાના વિરોધમાં શનિવારે શીખ સમુદાયે પાકિસ્તાન ઉચ્ચાયોગ બહાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને અકાલી દળે આ હુમલામાં સામેલ લોકોની ધરપકડની માંગ કરી છે.

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર થયેલા હુમલા પર હરભજને વ્યક્ત કરી ચિંતા, કહ્યું- ઈમરાન કાર્યવાહી કરે