National Herald Case: મની લોન્ડરિંગ સાથે સંબંધિત 'નેશનલ હેરાલ્ડ' સમાચાર પત્ર સાથે જોડાયેલા કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજે પૂછપરછ પૂરી થઈ ગઈ છે. કેન્દ્રીય એજન્સી ED તેમને સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ આજે લગભગ ત્રણ કલાક સુધી સોનિયા ગાંધીની પૂછપરછ કરી છે.
આજે સોનિયા ગાંધીની પુછપરછના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ વિરોધ કરી રહેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ શશિ થરૂર, સીએમ અશોક ગેહલોત, સચિન પાયલોટની અટકાયત કરવામા આવી હતી. આ સાથે કોંગ્રેસના અનેક કાર્યકરોની પણ અટકાયત કરાઇ હતી. રાજસ્થાનના સીએમ ગેહલોતે કહ્યું કે, "સોનિયા ગાંધીની ઉંમર 70 વર્ષથી વધુ છે, તેમના ઘરે આવીને EDએ પૂછપરછ કરવી જોઈતી હતી. હાલના સમયમાં ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે એ વાત સૌ જાણે છે, એ કોઈ નવી વાત નથી."
રાહુલ ગાંધીની 50 કલાક સુધી પુછપરછઃ
આ મામલામાં EDએ અગાઉ સોનિયા ગાંધીના પુત્ર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 50 કલાકથી વધુ સમય સુધી 5 દિવસ સુધી પૂછપરછ કરી હતી. આ તપાસ નેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતી કોંગ્રેસ પ્રમોટેડ યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડમાં થયેલી કથિત નાણાંકીય અનિયમિતતાઓને લગતી છે.
ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ નવો કેસ નોંધ્યા પછી ગયા વર્ષના અંતમાં સોનિયા અને રાહુલની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. અગાઉ, ટ્રાયલ કોર્ટે 2013માં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી ખાનગી ફોજદારી ફરિયાદના આધારે યંગ ઈન્ડિયન વિરુદ્ધ આવકવેરા વિભાગની તપાસની સંજ્ઞા લીધી હતી. જે બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ