નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સીડબ્લ્યૂસીની બેઠકમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનો અને અર્થવ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને મોદી સરકાર પર તીખા પ્રહારો કર્યા હાત. તેઓએ કહ્યું કે જેએનયુ અને અન્ય સ્થળે યુવાનો અને વિદ્યાર્થીઓ પર થયેલી હુમલાની ઘટનાઓ માટે ઉચ્ચ સ્તરીય આયોગની રચના કરવી જોઈએ.

કૉંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, નવા વર્ષની શરૂઆત સંઘર્ષો, આર્થિક સમસ્યાઓ અને અપરાધોથી થઈ છે. તેમણે કહ્યું, સીએએ ભેદભાવપૂર્ણ અને ભાગલા પાડનારો કાયદો છે. તેનો હેતુ ભારતીયોને ધર્મના આધારે ભાગલા પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રાલયે શુક્રવારે સીએએનું નોટિફિકેશન જાહેર કરીને દેશભરમાં કાયદો લાગુ કરી દીધો છે.

તેઓએ કહ્યું કે, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જામિયા મિલ્લિયા ઇસ્લામિયા અને કેટલીક અન્ય જગ્યાએ યુવાનો અને વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટનાઓની તપાસ માટે વિશેષાધિકાર આયોગની રચના કરવી જોઈએ. તેઓએ ખાડી ક્ષેત્રના ઘટનાક્રમ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.


પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં થયેલી આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, કેસી વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી વાડ્રા, વરિષ્ઠ નેતા અહમદ પટેલ, મલ્લિકા અર્જૂન ખડકે અને અન્ય નેતાઓ સામેલ હતા.

કૉંગ્રેસની આ બેઠકમાં સીએએને લઈને વિરોધ પ્રદર્શન, જેએનયુ હિંસા, આર્થિક મંદી તથા અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ બાદ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા થઈ હતી.