નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં સરકારને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીને ઓછી કરવા અપીલ કરી છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું, હું તમને અનુરોધ કરુ છું કે આ ભાવ વધારાને પરત લેવામાં આવે અને આપણા મધ્યમ અને નોકરીયાતવર્ગ,આપણા ખેડૂતો અને ગરીબો અને સાથી સૈનિકોને લાભ આપવામાં આવે.



પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે મોદી સરકારના લગભગ 7 વર્ષ પૂરા થઈ ગયા છે, હાલમાં પણ NDA સરકાર પોતાના આર્થિક ગેરવહીવટ માટે અગાઉની સરકારોને દોષી ઠેરવે છે. આગળ દાવો કરવામાં આવ્યો કે દેશમાં 2020માં કાચાતેલનું ઉત્પાદન છેલ્લા 18 વર્ષના ન્યૂનતમ સ્તર પર છે.

ઉલ્લેખનીય છે કે દેશના કેટલાક શહેરમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેમાં મધ્યપ્રદેશી આર્થિક રાજધાની ઈન્દોરમાં પેટ્રોલ ગત દિવસોમાં 101.38 રૂપિયા પ્રતિ લીટરના ભાવથી વેચાઈ રહ્યું હતું. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચ્યું હતું.