નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના વધી રહેલા મામલાને જોતા કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે પાર્ટી શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખી કહ્યું કે તેઓ કોરોના વાયરસ સામે લડવા માટે યોગ્ય પગલા ઉઠાવે અને રાજ્યમાં પૂરી તૈયારીઓ રાખે. પંજાબ, મધ્યપ્રદેશ,છત્તીસગઢ, રાજસ્થાન અને પુડુચેરીના મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં તેમણે કહ્યું, 'આપણે વૈશ્વિક સ્તર પર સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આપાત સ્થિતિમાં છીએ. દુનિયાભરમાં તેને લઈને ઉઠાવવામાં આવેલા પગલાઓની સાથે આપણે ઘરેલૂ સ્તર પર પણ પગલા ઉઠાવવા પડશે.'

સોનિયા ગાંધીએ કહ્યું, આ સંદર્ભમાં પ્રભાવી પગલા ઉઠાવો અને પુરી તૈયારીઓ કરવામાં આવે. કોઈપણ સ્થિતિ સામે લડવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓની ક્ષમતામાં વધારો કરવામાં આવે.


કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું, ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા આ વાયરસથી પીડિતોની તપાસ અને સંક્રમિત દર્દીઓને અલગ રાખવાની વ્યવસ્થા બનાવવામાં આવે. રાજ્ય સરકારને પણ મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તેનો આદેશ જાહેર કરવામાં આવે. જેનાથી વાયરસના ફેલાવવા પર અંકુશ લગાવવામાં મદદ મળી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોના વાયરસ વિશે ખોટી માહિતીના પ્રસારને અટકાવવા માટે જાગરૂતતા અભિયાન શરૂ કરવામાં આવે.

ભારતમાં અત્યાર સુધીમાં 31 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. ભારતમાં કોરોનાની અસર હવે ધીમે ધીમે વધી રહી છે. દિલ્હીમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે.