Sri Lanka Declares State Of Emergency: શ્રીલંકાની અર્થવ્યવસ્થા સતત કથળી રહી  છે. લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રાજધાની કોલંબો સહિત સમગ્ર દેશમાં હિંસાનો માહોલ છે. બેકાબૂ સ્થિતિ બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ મોડી રાત્રે ઈમરજન્સી જાહેર કરી હતી.


લોકો રાષ્ટ્રપતિને પદ છોડવા માટે અપીલ કરી રહ્યા છે


ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનની બહાર હજારો લોકો વિરોધ કરવા એકઠા થયા હતા. નારાજ લોકો રાષ્ટ્રપતિને પદ છોડવાની અપીલ કરી રહ્યા છે. સામાન્ય લોકોને લાગે છે કે આર્થિક સ્થિતિ માટે વર્તમાન સરકારની નીતિઓ જવાબદાર છે. કોલંબોમાં હિંસા ચાલુ છે. લોકોએ વાહનોને આગ ચાંપી હતી.


સ્થિતિ નિયંત્રણમાં નથી


સુરક્ષા દળો અને સામાન્ય લોકો આમને-સામને આવી ગયા છે. લોકોને ભગાડવા માટે ફાયર ગેસ છોડવામાં આવ્યો હતો. શ્રીલંકામાં હિંસામાં અત્યાર સુધીમાં 10 લોકો ઘાયલ પણ થયા છે. તો 50થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સને બોલાવવી પડી પરંતુ સ્થિતિ કાબૂમાં આવી રહી નથી.


દેશમાં ઈંધણ અને ગેસની તીવ્ર અછત છે


રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ એક ગેઝેટ જાહેર કરીને 1 એપ્રિલથી કટોકટી લાદવાની જાહેરાત કરી હતી. શ્રીલંકામાં સરકારે મોટો નિર્ણય લેવો પડ્યો કારણ કે જનતા ગુસ્સામાં રસ્તા પર ઉતરી આવી છે. દેશમાં ઈંધણ અને ગેસની ભારે અછત સર્જાઈ છે. શ્રીલંકાની સરકાર પાસે તેલની આયાત કરવા માટે વિદેશી મુદ્રા ભંડારની ભારે અછત છે. પરિણામે લોકોને પેટ્રોલ અને ડીઝલ માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.


પેટ્રોલ કરતા દૂધ મોંઘુ


શિક્ષણ વિભાગ પાસે કાગળ અને શાહી ખતમ થઈ ગઈ છે. પરીક્ષાઓ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. શ્રીલંકાના 22 મિલિયન લોકો પણ લાંબા સમય સુધી વીજ કાપનો સામનો કરી રહ્યા છે. અહીંના લોકો માટે દૂધ પેટ્રોલ કરતા પણ મોંઘુ થઈ ગયું છે