શ્રીનગરઃ કોરોના વાયરસના વધતા મામલાને ધ્યાનમાં રાખી શ્રીનગરમાં લોકડાઉન લાદવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શહેરના 90થી વધારે વિસ્તારમાં સોમવારથી લોકડાઉન લાગુ થશે અને આ વિસ્તારમાં મંજૂરી વગર કોઈને પ્રવેશ નહીં આપવામાં આવે.

શ્રીનગરના જિલ્લા અધિકારી શાહિદ ઈકબાલ ચૌધરીએ જણાવ્યું, કોવિડ-19નના વધતા મામલાને ધ્યાનમાં રાખી અમે શ્રીનગરના વિવિધ વિસ્તારમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. લોકોના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે તેમણે સ્થાનિક લોકોને સહયોગ આપવા વિનંતી કરી હતી. અધિકારીએ કહ્યું, કોવિડ-19 કેસોનું ક્લસ્ટર બહાર પડે ત્યારે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. હેલ્થ ગાઇડલાઇન મુજબ પ્રતિબંધો મુકવામાં આવશે. રેડ ઝોનમાં 100 ટકા લોકડાઉન રહેશે અને ત્યાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ નહીં થવા દેવામાં આવે."


શાહિદ ચૌધરીના કહેવા મુજબ, શ્રીનગરમાં 99 કન્ટેનમેન્ટ ઝોન છે. અત્યાર સુધીમાં આશરે 47,000 ટેસ્ટ થયા છે. અમારે ટેસ્ટિંગ વધારવાની જરૂર છે.

ચૌધરીએ કહ્યું, જ્યારથી લોકડાઉન હટાવવામાં આવ્યું છે ત્યારથી કોવિડ-19 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થયો છે. આજે અહીંયા 1611 પોઝિટિવ કેસ છે જેમાંથી 1100 એક્ટિવ કેસ છે. અમે માસ્ક ન પહેરનારા લોકોને કરવામાં આવતી દંડની રકમમાં વધારો કર્યો છે.