Chhatrapati Shivaji Maharaj : છત્રપતિ શિવાજી મહારાજ સમગ્ર દેશનું ગૌરવ છે અને ન જાણે કેટલા બહાદુર યોદ્ધાઓએ તેમની પાસેથી પ્રેરણા લીધી છે. આને ધ્યાનમાં રાખીને, એક NGO 'અમ્હી પુણેકરએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા નજીક શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.


શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવા પાછળનો શું છે હેતુ


એનજીઓ અનુસાર, તેની પાછળનો હેતુ દુશ્મનો સામે લડી રહેલા સૈનિકો પ્રતિમાને જોઈને છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને નૈતિક મૂલ્યોથી પ્રેરિત થાય એ સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે સૈનિકો હિન્દુ રાજાની બહાદુરીને યાદ કરીને દુશ્મનો સામે લડવાની પ્રેરણા મેળવે  તેવો છે.


કોણે કરી આ પહેલ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કાશ્મીરની કિરણ અને તંગધાર-ટીટવાલ ખીણમાં બે સ્થળોએ નિયંત્રણ રેખા નજીક સ્થાપિત કરવામાં આવશે. કાશ્મીરમાં કુપવાડા જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સાગર દત્તાત્રેય ડોઈફોડેની પરવાનગીથી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ પહેલનું આયોજન છત્રપતિ શિવાજી મહારાજ અટકેપર સ્મારક સમિતિના વડા અભયરાજ શિરોલે અને ' અમ્હી પુણેકર' એનજીઓના પ્રમુખ હેમંત જાધવે કર્યું છે.


ભૂમિપૂજન માટે ક્યાંથી આવશે માટી


હેમંત જાધવે જણાવ્યું હતું કે, “માર્ચના અંત સુધીમાં સ્થાપન કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવશે. શિવાજીના પદચિહ્નોથી પવિત્ર થયેલા રાયગઢ, તોરાના, શિવનેરી, રાજગઢ અને પ્રતાપગઢ કિલ્લાઓમાંથી માટી અને પાણી ભૂમિપૂજન માટે કાશ્મીર લઈ જવામાં આવશે. 'અમ્હી પુણેકર' આ કામ કરશે.


વિશ્વના વિવિધ દેશો છત્રપતિ શિવાજી મહારાજની ગેરિલા યુદ્ધની તરકીબોને અનુસરે છે


અભયરાજ શિરોલેએ કહ્યું, “છત્રપતિ શિવાજી મહારાજે તેમની વ્યૂહરચના અને સાહસિક કાર્યોથી દુશ્મનોને ભગાડી દીધા હતા. વિશ્વના વિવિધ દેશો તેની ગેરિલા યુદ્ધની તરકીબોને અનુસરે છે. શિવાજીના આદર્શો અને પ્રતિમા દ્વારા સરહદ પરના ભારતીય સૈનિકોને પ્રેરણા મળે તે માટે ભારત-પાકિસ્તાન સરહદ પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે.


મરાઠા રેજિમેન્ટ દ્વારા જાન્યુઆરી 2022માં જમ્મુ અને કાશ્મીરમાં છત્રપતિ શિવાજી મહારાજની બે પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. આમાંથી એક પ્રતિમા એલઓસી પાસે સમુદ્ર સપાટીથી 14800 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવી છે. હવે પુણે સ્થિત એનજીઓ દ્વારા વધુ બે પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવશે.


આ પણ વાંચો


Surya Grahan 2023: વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે છે ? જાણો સૂતક કાળનો સમય અને ભારત પર અસર