JNU BBC Documentary Screening: બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી. હવે ડોક્યુમેન્ટરીને લઈને દિલ્હી સ્થિત JNU કેમ્પસમાં હોબાળો મચી ગયો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓએ મંગળવારે (24 જાન્યુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર BBCની ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગની જાહેરાત કરી હતી. જો કે આ સ્ક્રિનિંગ પહેલા જ વિદ્યાર્થી સંઘની ઓફિસમાં વીજપુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. આ સાથે પથ્થરમારો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એબીવીપી અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારો થયો છે. આ સાથે ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.






જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ આયશી ઘોષે દાવો કર્યો હતો કે જેએનયુ પ્રશાસને વીજળી કાપી નાખી હતી. બીબીસીની 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' ડોક્યુમેન્ટરી સીરિઝ ગુજરાતના રમખાણો પર આધારિત છે જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા.






જેએનયુ પ્રશાસને સ્ક્રીનિંગની મંજૂરી આપી ન હતી


ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનીંગ રાત્રે 9 વાગ્યે શરૂ થવાનું હતું અને વિદ્યાર્થીઓએ વહીવટીતંત્રનો ઇનકાર છતાં યોજવાનું નક્કી કર્યું હતુ. જેએનયુ પ્રશાસને સ્ક્રીનિંગની મંજૂરી આપી ન હતી. ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગ બાદ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. જોકે, વિદ્યાર્થીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્ક્રિનિંગ યુનિવર્સિટીના કોઈપણ ધોરણોનું ઉલ્લંઘન કરશે નહીં અને તે સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડશે નહીં.


"બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ નથી"


આયશી ઘોષે કહ્યું, અમે સ્ક્રીનિંગ કરીશું. બીબીસીની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ નથી. આ ફિલ્મ સત્ય બતાવે છે અને તેઓને ડર છે કે સત્ય બહાર આવશે. તમે લાઇટ છીનવી શકો છો, અમારી આંખો છીનવી શકતા નથી. અમારી લાગણીઓ છીનવી શકતા નથી. અમે હજાર સ્ક્રીન પર જોઈશું. પોલીસ અને ભાજપમાં દમ હોય તો અમને રોકીને બતાવે.


"અમને ભાજપની પરવા નથી"


વિદ્યાર્થી સંઘના પ્રમુખે કહ્યું કે, "ABVP નિંદાનો પત્ર લખી શક્યું હોત, પરંતુ આ કેમ્પસ સંઘના આદેશ પર ચાલતું નથી. ભાજપથી અમને કોઇ ફેર પડતો નથી. ABVPએ ટ્વિટ કર્યું કે શા માટે તેમની ધરપકડ કરવામાં આવી નથી.


"આ ડોક્યુમેન્ટરી આજે જ જોઈશું"


તેમણે કહ્યું, "અમારી પાસે લેપટોપ છે, Wi-Fi વગેરે છે. અમે આજે જ આ ડોક્યુમેન્ટરી જોઈશું, QR કોડનું વિતરણ કરીશું. જો તેઓ એક સ્ક્રીન બંધ કરશે, તો અમે લાખો સ્ક્રીનો ખોલીશું.


સરકારે BBC ડોક્યુમેન્ટરીની ટીકા કરી


નોંધનીય છે કે બીબીસીની 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' ડોક્યુમેન્ટરી સીરિઝને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. આ શ્રેણી ભારતમાં ઉપલબ્ધ નથી, પરંતુ તેની લિંક્સ યુટ્યુબ અને ટ્વિટર પર શેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ડોક્યુમેન્ટરીના એપિસોડ ધરાવતી યુટ્યુબ વીડિયો અને ટ્વિટર લિંકને બ્લોક કરી દીધી છે.