Jahangirpuri Violence: દિલ્હીમાં જહાંગીર પુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા બાદ ફરી એકવાર પથ્થરમારો થયો છે. હવે જહાંગીર પુરીમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર પથ્થર ફેંકવામાં આવ્યા છે, જેમા સત્યેન્દ્ર ખારી નામનો એક પોલીસકર્મી ઘાયલ થયો છે. હાલમાં હિંસા પ્રભાવિત વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.


 




પહેલા થયેલા પથ્થરમારાની ઘટના અંગે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ માટે ગઈ હતી ત્યારે તેમની પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વીડિયોમાં જોવા મળતા સંદિગ્ધ સોનૂ ચિકનાની ધરપકડ કરવા ગઈ હતી ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો. સોનૂને પકડવા જેવી ટીમ ગલીમાં પ્રવેશી કે તુંરત જ ત્રીજા માળેથી લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો.


દિલ્હી પોલીસે આ અંગે કહ્યું કે, આ એક નાની ઘટના છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જહાંગીરપુરી હિંસા અંગે ડીસીપી ઉત્તર પશ્ચિમે કહ્યું કે, જવાબી કાર્યવાહીમાં તેમના પરિજનોએ પથ્થરમારો કર્યો, કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.


ડીસીપીના કહેવા પ્રમાણે 17 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમા એક વ્યક્તિ (બ્લૂ જભ્ભામાં) 16 એપ્રિલના રોજ જહાંગીરપુરી વિસ્તારમાં હિંસા દરમિયાન ફાયરિંગ કરી રહ્યો હતો. પોલીસની ટીમ સીડી પાર્ક સ્થિત તેમના ઘરની તપાસ કરી રહી છે.


હિંસામાં સામેલ કોઈને પણ છોડવામાં નહીં આવે
સોમવારે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ હિંસામાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે, પછી ભલે તે કોઈપણ વર્ગ, સંપ્રદાય અને ધર્મનો હોય. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ માટે 14 ટીમો બનાવવામાં આવી છે.