નવી દિલ્હી : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સુબોધ કુમાર જયસ્વાલને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. કેન્દ્ર સરકારે મંગળવારે જયસ્વાલને સીબીઆઈના નવા વડા તરીકે નિયુક્ત કરાયા હોવાની જાહેરાત કરી હતી. જયસ્વાલ 1985 બેચના ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી છે અને તેઓ અગાઉ મહારાષ્ટ્રમાં ડારેક્ટર જનરલ પદે પણ રહ્યા હતા. સીબીઆઈ ડાયરેક્ટર બન્યા તે અગાઉ તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના ડાયરેક્ટર જનરલ હતા.


તેઓ હાલ સીઆઇએફએસના ચીફ તરીકે કાર્યરત છે અને ભૂતકાળમાં ઈન્ટેલિજન્સ બ્યુરો તેમજ રૉમાં પણ ઉચ્ચ પદો પર કામ કરવાનો અનુભવ ધરાવે છે. સીબીઆઇના નવા કાયમી ડાયરેક્ટરની નિમણુંકને લઇને પીએમના આવાસે બેઠક યોજાઇ હતી. જે દરમિયાન મુખ્ય ન્યાયાધીશે એક એવો નિયમ બતાવ્યો જેને કારણે સરકારે જે બે નામ સુચવ્યા હતા તેને આ પદની રેસમાંથી બાદ કરી દેવામાં આવ્યા છે.



ચીફ જસ્ટિસ દ્વારા ઉઠાવવામાં આવેલા રૂલ ઓફ લોના મામલાને વિપક્ષના નેતા અિધર રંજન ચૌધરી દ્વારા પણ સમર્થન મળ્યું હતું.  સરકાર દ્વારા યાદીમાં સામેલ વાયસી મોદી હાલ એનઆઇએના ચીફ છે અને આ મહિને નિવૃત થવા જઇ રહ્યા છે. જ્યારે રાકેશ અસૃથાના બીએસએફની કમાન સંભાળી રહ્યા છે અને તેમનો કાર્યકાળ પણ જુલાઇ મહિનામાં પૂર્ણ થવા જઇ રહ્યો છે.


કેબિનેટ નિયુક્તિ સમિતિએ કરેલા ઓર્ડર મુજબ જયસ્વાલ સીબીઆઈની કમાન સંભાળશે. આ પહેલા ઋષિ કુમાર શુક્લાનો કાર્યકાળ ફેબ્રુઆના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. શુક્લાની નિવૃતિ બાદ એડિશનલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હા વચગાળાના પ્રમુખ તરીકે સીબીઆઈના કેસો પર ધ્યાન આપી રહ્યા હતા.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિમણૂક માટે ઉચ્ચ સ્તરીય કમિટીએ સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર જયસ્વાલ, એસએસબીના ડાયરેક્ટર જનરલ રાજેશ ચંદ્રા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ વી એસ કે કૌમુદીના નામની યાદી તૈયાર કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના ચીફ જસ્ટિસ એન વી રમન્ના પણ હાજર હતા. આ બેઠક વડાપ્રધાન નિવાસે યોજાઈ હતી.