હુમલામાં ઘાયલ 14 જવાનને હેલિકોપ્ટર મારફતે રાયપુર રેફર કરાયા હતા. બસ્તરના ઇતિહાસમાં પ્રથમવાર ડીઆરજી એટલે કે ડિસ્ટ્રિક રિઝર્વ ગાર્ડના જવાનોને આટલું મોટું નુકસાન થયું છે. ડીઆરજી સ્થાનિક યુવકો દ્ધારા બનાવવામાં આવેલુ સુરક્ષા દળોનું એક દળ છે જે નક્સલીઓ વિરુદ્ધ સૌથી વધુ અસરકારક રહ્યું છે. નક્સલીઓએ જવાનોના 15 હથિયાર લૂંટ્યા હતા.
વાસ્તવમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણ શનિવારે મોડી રાત્રે અઢી વાગ્યે થઇ હતી. સુરક્ષા દળો અને પોલીસે નક્સલીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનમાં પોલીસની ડિસ્ટ્રિક રિઝર્વ ગાર્ડ, સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ અને કોબરા બટાલિયને એક સાથે મોરચો સંભાળ્યો હતો. સંયુક્ત ટીમે એલ્માગુંડાના નજીક નક્સલીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. આ જાણકારીના આધાર પર સુરક્ષા દળોએ ચિંતાગુફા, બુર્કાપાલ અને ટિમેલવાડા કેમ્પથી નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.