કુશીનગરઃ ચંદીગઢથી ટ્રાઇસિકલથી 9 દિવસનો પ્રવાસ કર્યા બાદ એક દિવ્યાંગ યૂપીના કુશીનગર પહોંચ્યો છે. પોતાના પરિવારનું પાલન કરવાની માટે સુનીલ (દિવ્યાંગ) ચંદીગઢ કમાવવા માટે નીકળ્યો હતો પરંતુ કોરોનાને કારણે લોકડાઉન થયું અને તેને પરત ફરવું પડ્યું. ઘર પરત ફરેલ સુનીલના હાથમાં રૂપિયા અને સામાન તો નહીં પણ હાથમાં છાલા પડી ગયા હતા.

મોતિહારીના રહેવાસી સુનીલ બન્ને પગથી દિવ્યાંગ છે. તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તે ચંદીગઢ કામ કરવા ગયો. તેના પરિવારમાં માતા પિતા અને ભાઈ બહેન મળીને કુલ 5 સભ્યો છે. સુનીલ ચંદીગઢમાં પાન ગુટખા વેચીને માત્રે પરિવારનું ભરણપોષણ જ નહીં પણ ભાઈ અને બહેનના લગ્ન પણ કર્યા. બધુ ઠીક થયા બાદ તે છેલ્લા વર્ષે તેના પોતાના ભાઈને પણ ચંદીગઢ બોલાવી લીધો હતો.

બીજી બાજુ કોરોનાને કારણે લોકડાઉન બાદ સુનીલના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો. નાની રોજગારી મેળવનારો આ દિવ્યાંગ બેરોજગાર થઈ ગયો. રોજગાર ગયા બાદ તેણે પોતાના ભાઈને ટ્રકથી ઘરે મોકલી દીધો. 9 દિવસમાં સુનીલ ચંદીગઢથી લગભગ 1100 કિમી દૂર કુશીનગર પહોંચ્યો. સુનીલનું કહેવું છે કે, ચંદીગઢથી આવતા સમયે રસ્તામાં અનેક લોકોએ તેનો ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી. સાથે જ લોકોએ તેને જરૂરી મદદ કરી હતી.