નવી દિલ્હીઃ એમ્ફાન વાવાઝોડું ખૂબ શક્તિશાળી છે અને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે તેમ ભારતીય હવામન વિભાગે જણાવ્યું હતું. આ વાવાઝોડું 20 મેના રોજ પશ્ચિમ બંગાળના દીઘા દ્વીપ અને બાંગ્લાદેશના હતિયા ટાપુ વચ્ચે ટકરાઈ શકે છે. આ વાવાઝોડું 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ઓડિશાના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે સવારે 5.30 કલાકે વાવાઝોડું બંગાળની ખાડીમાં 520 કિલોમીટર દૂર પારાદીપ પાસે પહોંચ્યું છે.


ઓડિશામાં આજે અનેક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઓડિશામાં જગતસિંહપુર, કેન્દ્રપાડા, જાજપુર, બાલાસોર, ભદ્રક અને મયૂરભંજ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખોરધા તથા પુરી જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર ઓડિશામાં બાલાસોર, ભદ્રક, મયૂરભંજ, જાજપુર, કેન્દ્રપાડા અને ક્યોંઝર જિલ્લામાં 20 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે.


વાવાઝોડાની અસરથી આજે અને આવતીકાલે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડશે. પૂર્વ મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગના, હાવડા, હુગલી અને કોલકાતા છે. વાવાઝોડા દરમિયાન દરિયામાં આશરે ચાર થી છ મીટર ઊંચા મોજા ઉછળવાના કારણે દક્ષિણ અને ઉત્તર 24 પરગના જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.

એમ્ફાન હવે મહાતોફાન બની ગયું છે. બંગાળની ખાડીમાં આ તોફાનથ પશ્ચિમ બંગાળ ઉપરાંત ઓડિશામાં વિનાશ વેરી શકે છે.