Supreme Court On Abortion: સુપ્રીમ કોર્ટે 30 સપ્તાહની પ્રેગનન્ટ 14 વર્ષની રેપ પીડિતાને ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી.સુપ્રીમ કોર્ટે સોમવારે (22 એપ્રિલ, 2024) મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે 14 વર્ષની રેપ પીડિતાને રાહત આપી હતી અને તેને 30 અઠવાડિયાનો ગર્ભ કઢાવવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે રેપના કેસને ધ્યાનમાં રાખીને પ્રેગ્નન્સીના મેડિકલ ટર્મિનેશનની મંજૂરી આપવામાં આવી છે.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે બોમ્બે હાઈકોર્ટના આદેશને બદલીને પોતાનો ચુકાદો આપતાં લોકમાન્ય તિલક હોસ્પિટલના ડીનને સગીરનો ગર્ભપાત કરાવવા માટે એક ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
વાસ્તવમાં 14 વર્ષની રેપ પીડિતાની માતાએ અરજીમાં બોમ્બે હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર્યો હતો જેમાં તેની પ્રેગ્નન્સીને સમાપ્ત કરવાની પરવાનગી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે કહ્યું હતું કે પ્રેગનન્સીને ઘણો સમય થઈ ગયો છે. તેથી ગર્ભપાત કરી શકાતો નથી. આ પછી રેપ પીડિતાની માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 14 વર્ષની સગીર રેપ પીડિતાની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું?
સીજેઆઇ ડીવાય.ચંદ્રચૂડની અધ્યક્ષતા ધરાવતી બે સભ્યોની બેન્ચે સગીરાનો એબોર્શન કરાવવાનો આદેશ આપ્યો હતો. ખંડપીઠે આદેશમાં કહ્યું કે સાયન હોસ્પિટલના મેડિકલ બોર્ડે અભિપ્રાય આપ્યો છે કે ગર્ભાવસ્થાના MTPના મંજૂરી આપવી જોઈએ. તાકીદને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય અનામત રાખતી વખતે વચગાળાના નિર્દેશો જાહેર કરીએ છીએ. અમે MTP એક્ટને યોગ્ય રીતે ધ્યાનમાં લીધો છે. આ કોર્ટ કલમ 142 હેઠળ કાર્યવાહી કરે છે. આવા જ એક કેસમાં આ કોર્ટે કલમ 142નો ઉપયોગ કર્યો હતો.