Supreme Court Two-finger Test Ban: સુપ્રીમ કોર્ટે સોમવારે બળાત્કારના કેસોમાં 'ટુ-ફિંગર ટેસ્ટ' પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે ચેતવણી આપી હતી કે જે વ્યક્તિઓ આવા પરીક્ષણો કરાવે છે તેમને દોષિત ઠેરવવામાં આવશે. જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ચુકાદો સંભળાવતા બળાત્કાર અને જાતીય હુમલાના કેસોમાં 'ટુ-ફિંગર ટેસ્ટ'ના ઉપયોગની નિંદા કરી હતી. જસ્ટિસ ચંદ્રચુડે ચુકાદો સંભળાવતા કહ્યું કે, "આ ટેસ્ટનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પીડિતાની જાતીય સતામણીનાં પુરાવા તરીકે તે મહત્વનું નથી. આજે પણ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ખેદજનક છે."


સુપ્રીમ કોર્ટે બળાત્કારની પુષ્ટિ કરવા માટે પીડિતાના  ‘ટૂ ફિંગર ટેસ્ટ’ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું, "જે પણ આવું કરે છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવો ટેસ્ટ પીડિતાને ફરીથી ત્રાસ આપવા સમાન છે." સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્દોષ છૂટવાના આદેશને ઉલટાવી દીધો હતો અને બળાત્કાર-હત્યાના કેસમાં આ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી હતી. વાસ્તવમાં 2013માં જ સુપ્રીમ કોર્ટે ટુ ફિંગર ટેસ્ટને ગેરબંધારણીય જાહેર કરી હતી અને કહ્યું હતું કે આ ટેસ્ટ ન થવો જોઈએ.


શું હોય છે 'ટુ-ફિંગર ટેસ્ટ'


ટુ ફિંગર ટેસ્ટમાં પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં એક કે બે આંગળીઓ નાખીને તેની વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ એટલા માટે કરવામાં આવે છે જેથી એ જાણી શકાય કે મહિલા સાથે શારીરિક સંબંધ હતા કે નહીં. જો પ્રાઈવેટ પાર્ટમાં બંને આંગળીઓ સરળતાથી ફરતી હોય તો સ્ત્રીને સેક્સ્યુઅલી એક્ટિવ માનવામાં આવે છે અને આ પણ મહિલાના વર્જિન કે વર્જિન ન હોવાનો પુરાવો માનવામાં આવે છે.


આ પણ વાંચોઃ


મોરબીમાં મૃત્યુઆંક વધીને 141 થયો, પીડિત પરિવારોને 6-6 લાખનું વળતર, અકસ્માતમાં અત્યાર સુધીમાં શું થયું, જાણો 10 પોઈન્ટ