નવી દિલ્હીઃ દિલ્હીથી ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા માટે બનાવવામાં આવેલા ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેને શરૂ ન કરવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, જો 31 મે સુધીમાં ઉદ્ધાટન કરવામાં નહી આવે તો એક જૂન પછી હાઇવે સામાન્ય જનતા માટે ખુલ્લો માનવામાં આવશે. વાસ્તવમાં 18 એપ્રિલના રોજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે, રોડ બનીને તૈયાર થઇ ગયો છે. મહિના અંત સુધીમાં તેને ખોલી દેવામાં આવશે પરંતુ આજે NHAIના વકીલે કહ્યું કે, તેઓ વડાપ્રધાન કાર્યાલયની મંજૂરીની રાહ જોઇ રહ્યા છે.
જેના પર બેન્ચના અધ્યક્ષ જસ્ટિસ મદન બી લોકુરે કહ્યું કે, મીડિયા રિપોર્ટ પ્રમાણે,. વડાપ્રધાન આગામી કેટલાક દિવસો સુધી ઉપલબ્ધ નથી. તેમની રાહ કેમ જોવામાં આવી રહી છે? આ રોડ દિલ્હીના લોકો માટે ખૂબ જરૂરી છે. કોર્ટે કહ્યું કે, મેઘાલય હાઇકોર્ટની ઇમારતનો પાંચ વર્ષથી કોઇ પણ પ્રકારના ઔપચારિક ઉદ્ધાટન વિના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
દિલ્હીમાં ટ્રાફિક ઓછુ કરવા માટે ફરીદાબાદ, પલવલ, ગ્રેટર નોઇડા અને ગાજિયાબાદને જોડનારા આ 135 કિલોમીટરના એક્સપ્રેસવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને કારણે હરિયાણાથી ઉત્તરપ્રદેશ જનારા વાહનોએ દિલ્હી આવવાની જરૂર નહી રહે.