નવી દિલ્હી: બીએસએફના બરતરફ કરાયેલા જવાન તેજ બહાદુરની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તેજ બહાદુર યાદવે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લોકસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી. જેને ચૂંટણી પંચે ખોટી માહિતી આપવાના કારણે ઉમેદવારી રદ્દ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેજ બહાદુરની અરજી નકારતા કહ્યું કે તે હાલમાં ચૂંટણી અધિકારીના આદેશમાં દખલ નહીં દે. તમે ચૂંટણી બાદ અરજી કરી શકો છો.

ચૂંટણી અધિકારીએ તેજ બહાદુરની ઉમેદવારી રદ કરતા જણાવ્યું હતું કે તેણે પોતાના ઉમેદવારી પત્રમાં બીએસએફમાંથી સસ્પેન્ડ કરવાનું કારણ સ્પષ્ટ જણાવ્યું નહતું. ઉમેદવારી રદ થતાં તેજ બહાદુરે ચૂંટણી પંચ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. તેજ બહાદુરે આક્ષેપ લગાવતા કહ્યું હતુ કે એક જવાનને ચૂંટણી લડતા રોકવા માટે ભાજપે તમામ પ્રયાસ કર્યા. તેજ બહાદુરના વકીલે જણાવ્યુ હતુ કે ચૂંટણી પંચને તમામ પુરાવા આપવામાં આવ્યા હોવા છતા ચૂંટણી પંચે તેજ બહાદુરની ઉમેદવારી રદ્દ કરી હતી.


તેજ બહાદુરે અરજીમાં જણાવ્યું કે 24 એપ્રિલના રોજ જે ફૉર્મ ભર્યું હતું તેમાં નોકરીમાથી બરતરફ કરવાના સવાલ પર ભૂલથી 'હા' લખાઈ ગયું હતું. ઉમેદવારી ફોર્મમાં સવાલ હતો કે 'શું તમને સરકારી સેવામાં ભ્રષ્ટાચાર અથવા દેશદ્રોહના આરોપમાં ક્યારેય બરતરફ કરવામાં આવ્યા છે?. જ્યારે 29 એપ્રિલના રોજ ફરી ફોર્મ ભરતા આ ભૂલને સુધારી હતી. અને એક સોગંદનામું પણ આપ્યું હતું.

તેજ બહાદુરે કહ્યું કે 1 મે ના રોજ મારુ ઉમેદવારીપત્ર રદ કરતા ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે મારું નોકરીમાંથી બરતફર એપ્રિલ 2017માં થયું હતું. હું તેના પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય છું. જેને લઈને તેજ બહાદુરે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.