નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતને લગતા એક ચુકાદામાં મેડિકલ અભ્યાસક્રમોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની નેશનલ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) અંગે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ અભ્યાસક્રમોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 27% અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની અનામતને મંજૂરી આપી દીધી છે. સાથે સાથે મેડિકલ અભ્યાસક્રમોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઈકોનોમિકલી વીકર સેક્શન્સ (ઈડબલ્યુએસ) માટેની 10 ટકા અનામતને પણ મંજૂરી આપી દીધી છે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઈકોનોમિકલી વીકર સેક્શન્સ (ઈડબલ્યુએસ) માટે 8 લાખ રૂપિયાની આવક મર્યાદાને પણ મંજૂરી મળી છે.
અલબત્ત 27% અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની અનામત તથા ઈકોનોમિકલી વીકર સેક્શન્સ (ઈડબલ્યુએસ) માટેની 10 ટકા અનામત વર્તમાન સત્ર માટે જ માન્ય ગણાશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) પોસ્ટ ગ્રેજ્યુએશન કાઉન્સેલિંગનો રસ્તો ખુલી ગયો છે. સુપ્રીમકોર્ટના આ ચુકાદા સામે ડોક્ટરોએ ખુશી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે ચાલુ સત્ર માટે અનામતને મંજૂરી આપતાં કહ્યું હતું કે આગામી સેશન માટે અનામત બેઠકો મુદ્દે કોર્ટ માર્ચ મહિનામાં સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી નીટ પીજી કાઉન્સેલિંગ અને એડમિશનનો રસ્તો સરળ થઈ ગયો છે. નોંધનીય છે કે ઘણા લાંબા સમયથી રેસિડન્સ ડોક્ટર્સ કાઉન્સેલિંગ શરૂ કરવાની માગણી સાથે દેખાવો કરી રહ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે MCC ટૂંક સમયમાં જ કાઉન્સેલિંગની તારીખો જાહેર કરશે.
પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાઉન્સેલિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવી જોઈએ. આ નિર્ણય રાષ્ટ્રહિતમાં છે, કારણ કે દેશમાં હાલ રેસિડન્સ ડોક્ટર્સની ખૂબ અછત છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે પાંડે સમિતિનો રિપોર્ટ સ્વીકારીએ છીએ. કાર્યાલયમાં આપવામાં આવેલી નીટ 2021ની જાહેરાત અધિસૂચના પ્રમાણે નીટ પીજી અને યુજીનું કાઉન્સેલિંગ આયોજિત કરવામાં આવશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, નીટ પીજી અને યુજી માટે ઈડબ્લ્યુએસની ઓળખ માટે નક્કી કરેલા માપદંડોનો ઉપયોગ કરવામાં આવશે.