સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરતા બંધારણની કલમ 142 હેઠળ એક ડિવોર્સી કપલના બીજા લગ્ન ખત્મ કર્યા હતા. કોર્ટે આ સાથે પતિને મુંબઈના એક પોશ વિસ્તારમાં સ્થિત 4 કરોડ રૂપિયાનો ફ્લેટ તેની પત્નીને ભેટમાં આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પત્નીની 12 કરોડ રૂપિયાના વધારાના વળતર અને BMW કારની માંગણીને ફગાવી દીધી હતી.
મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું હતું કે આ બંને પક્ષોના બીજા લગ્ન હતા, જે સંપૂર્ણપણે તૂટી ગયા છે અને હવે તેને જાળવી રાખવાની કોઈ શક્યતા નથી. CJI ગવઈ ઉપરાંત, ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રન અને એન.વી. અંજારિયાનો પણ આ બેન્ચમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે સ્વીકાર્યું કે આ આઠ વર્ષ જૂના વૈવાહિક સંબંધ એકબીજાને નવી તક આપવાનો પ્રયાસ હતો, જે નિષ્ફળ ગયો. કોર્ટે કહ્યું હતું કે પહેલા લગ્ન તૂટવા પર પત્નીને મળેલી ભરણપોષણની આ બીજા લગ્નના કિસ્સામાં કોઈ અસર થઈ શકે નહીં. આ કેસ અલગ છે અને તેના માટે અલગ અભિગમ અપનાવવો પડશે.
વરિષ્ઠ વકીલો માધવી દિવાન અને પ્રભજીત જૌહરની દલીલો સ્વીકારતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પત્ની પોતે એક એન્જિનિયર છે અને મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે, અને તે અગાઉ પણ કામ કરી ચૂકી છે. આ બ્રેકગ્રાઉન્ડને જોતા કોર્ટે નિર્ણય લીધો કે મુંબઈના ડૉ. એસએસ રોડ પર સ્થિત ફ્લેટની ભેટ છૂટાછેડાના કિસ્સામાં પૂરતું ભરણપોષણ હશે. આ ફ્લેટની કિંમત 4 કરોડ રૂપિયા છે. કોર્ટે પતિને 30 ઓગસ્ટ પહેલા ફ્લેટની ગિફ્ટ ડીડ પૂર્ણ કરવાનો અને 1 સપ્ટેમ્બર સુધીમાં સોસાયટીને 26 લાખ રૂપિયાની બાકી રકમ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.
કોર્ટે પત્નીની દલીલને સંપૂર્ણપણે ફગાવી દીધી જેમાં તેણે તેના પતિના 'લિંક્ડઇન પ્રોફાઇલ'ના આધારે 12 કરોડ રૂપિયા અને BMW કારની માંગણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફક્ત લિંક્ડઇન પ્રોફાઇલના આધારે કોઈની આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી શકાતો નથી. કોર્ટે એમ પણ કહ્યું કે પત્ની પોતે શિક્ષિત અને કામ કરવામાં સક્ષમ છે અને તેણીને IT ક્ષેત્રમાં સારો અનુભવ છે, જેના કારણે તે પોતાનું ગુજરાન ચલાવી શકે છે.
‘આલીશાન ફ્લેટની ભેટ પૂરતી છે’
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ‘આપણે ‘લિંક્ડઇન પ્રોફાઇલ’ પર વિશ્વાસ કરી શકતા નથી. પત્ની શિક્ષિત છે, પહેલા કામ કરી ચૂકી છે અને આત્મનિર્ભર બનવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. આ સ્થિતિમાં કોઈપણ બંધન વિના વૈભવી એપાર્ટમેન્ટની ભેટ પૂરતી હશે.’
આ ઐતિહાસિક નિર્ણય દ્વારા કોર્ટે સ્પષ્ટ કર્યું કે છૂટાછેડાના કેસોમાં વળતરની માંગણીને ફક્ત ભાવનાત્મક ધોરણે નહીં, પરંતુ વાસ્તવિક અને વ્યવહારિક દૃષ્ટિકોણથી જોવામાં આવશે.