નવી દિલ્હીઃ રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં મધ્યસ્થતાની સંભાવના હજુ પણ બચી છે. સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કેસના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિમણૂક અને દેખરેખમાં મધ્યસ્થતાને લઇ નિર્ણય સુરક્ષિત રાખી લીધો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળી 5 જજોની સંવૈધાનિક બેન્ચે ચોખ્ખું કહી દીધું કે અમે અયોધ્યા જમીન વિવાદ અને તેના પ્રભાવને ગંભીરતાથી સમજીએ છીએ અને આથી જ ટૂંક સમયમાં જ તેનો નિર્ણય સંભળાવા માંગીએ છીએ. બેન્ચે આગળ કહ્યું કે જો પાર્ટીઓ મધ્યસ્થીઓના નામની ભલામણ કરવા માંગે છે તો તે આપી શકે છે.



સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ ભાવનાઓ અને વિશ્વાસ સાથે જોડાયેલો મામલો છે. ચુકાદાની અસર જનતાની ભાવના અને રાજકારણ પર પડી શકે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ મામલામાં માત્ર એક મધ્યસ્થ ન હોઈ શકે, તેના માટે એક પેનલ હોવી જોઈએ. જોકે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે સવાલ કર્યો કે મધ્યસ્થતા કેવી રીતે શક્ય છે. તેઓએ કહ્યું કે, શાંતિપૂર્ણ ચર્ચાના માધ્યમથી સંકલ્પ પૂરો થાય તે એક આદર્શ સ્થિતિ છે, પરંતુ મૂળ સવાલ એ છે કે તે કરવું કેવી રીતે શક્ય છે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમનું માનવું છે કે જો મધ્યસ્થતાની પ્રક્રિયા શરૂ થાય છે તો તેના ઘટનાક્રમો પર મીડિયા રિપોર્ટિંગ સમગ્રપણે બેન થવી જોઈએ. કોર્ટે કહ્યું કે આ કોઈ ગૈગ ઓર્ડર (ન બોલવાનો આદેશ) નથી પરંતુ ભલામણ છે કે રિપોર્ટિંગ ન થવું જોઈએ.