શાહીન બાગ પ્રદર્શન વિરુદ્ધ દાખલ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, 55 દિવસથી ચાલુ છે ધરણા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Feb 2020 08:42 AM (IST)
આ અરજીઓમાં દિલ્હીને નોઇડા સાથે જોડનારો મુખ્ય માર્ગ બંધ હોવાથી લાખો લોકોને અવરજવરમાં તકલીફો પડી રહી હોવાનો સવાલો ઉઠાવાયા છે
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં ચાલી રહેલા પ્રદર્શનને લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. આ અરજીઓમાં દિલ્હીને નોઇડા સાથે જોડનારો મુખ્ય માર્ગ બંધ હોવાથી લાખો લોકોને અવરજવરમાં તકલીફો પડી રહી હોવાનો સવાલો ઉઠાવાયા છે. શાહીન બાગમાં લગભગ 55 દિવસથી ધરણા પ્રદર્શન ચાલુ છે. રસ્તા ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં એ પણ માંગ કરવામાં આવી છે કે, કોર્ટ પોલીસને એ જોવાનુ કહે કે ત્યાં ભાષણ આપનારા લોકોને કયા સંગઠનો સાથે સંબંધ છે. ક્યાંક તેમનો ઉદ્દેશ્ય દેશવિરોધી ગતિવિધિઓ માટે લોકોને ભડકાવવાનો તો નથીને. સુનાવણી સવારે 11.15 વાગે શરૂ થશે. વળી, સીએએ વિરોધી પ્રદર્શનકારીઓએ જામિયા મિલ્લિાયા ઇસ્લામિયા અને શાહીન બાગમા સુરક્ષા વધારવાની માંગ કરી છે. આ વિસ્તારોમાં હાલ ફાયરિંગની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. પ્રદર્શનકારીઓ આશંકા જતાવી રહ્યા છે કે આઠમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આવી ઘટનાઓ ફરીથી થઇ શકે છે. ઉલ્લેખનયી છે કે ફાયરિંગની ત્રણ ઘટનાઓ ઘટી ચૂકી છે.