નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે સબરીમાલા કેસને લઇને સુનાવણી થઇ, જેમાં સુપ્રીમે સુનાવણી કરતાં કહ્યું કે મામલો માત્ર મંદિર સુધી સીમિત નથી, આ સાથે જ કેસને લાર્જર બેન્ચને સોંપી દેવામાં આવ્યો હતો. ગુરુવારે પાંચ જજોની બેન્ચે આ મામલાને 3:2ના નિર્ણયથી કેસને લાર્જર બેન્ચને સોંપવામાં આવ્યો છે.


સબરીમાલા કેસ પર ફેંસલો વાંચતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસની અસર માત્ર મંદિર જ નહીં મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, અગિયારીમાં પારસી મહિલાઓના પ્રવેશ પર અસર પડશે.


ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની આગેવાનીમાં પાંચ જજોની બેન્ચે આ નિર્ણય લીધો હતો. આ બેન્ચમાં જસ્ટિસ રંજન ગોગોઇ ઉપરાંત જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ ખાનવિલકર, જસ્ટિસ નરીમન અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા સામેલ છે.



નોંધનીય છે કે, આ કેસ કેરાલાના સબરીમાલા મંદિરનો છે. કેરળમાં સ્થિત સબરીમાલા મંદિરમાં કોઈપણ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવાની અનુમતિ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. જેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર માટે કેટલીક અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.