નવી દિલ્હી: દેશભરમાં દારુની દુકાનો બંધ કરવા અને તેના વેચાણ પર દિશાનિર્દેશ નક્કી કરવાની માંગ કરતા બે અરજીકર્તાઓ પર કોર્ટે એક એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ અરજીઓને સમય બગાડનારી ગણાવી અને કહ્યું કે, આવી અરજીઓ માત્ર પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવે છે.


આ મામલામાં બન્ને અરજીકર્તા પીટીશનર ઈન પર્સન હતા. એટલે કે વકીલ વગર અરજીકર્તા ખુદ રજૂ થયા હતા. પ્રથમ અરજીકર્તા પ્રશાંત કુમારની દલીલ હતી કે, દારુની દુકાનો ખોલવાની છૂટ આપવાથી ભીડ થઈ રહી છે. જેના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થતું નથી. તેથી તમામ દુકાનો બંધ કરાવવામાં આવે.

અરજી પર કોર્ટે કહ્યું કે, સરકાર અને સ્થાનીય પ્રશાસને સોશિયલ ડિસ્ટન્સિંગનને લઈ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. દુકાનદાર બહાર ઉભો રહીને નખી જોઈ શકતો કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ રહ્યું છે કે નહીં. જો તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તેને જોવાનું કામ પ્રશાસનનું છે. તેની ફરિયાદ પ્રશાસનને કરી શકાય છે. આ પ્રકારની અરજી સાંભળી માત્ર કોર્ટનો સમય બગાડવાનું છે.

બીજા એક અરજીકર્તાએ કહ્યું હતું કે, “હું દારુની દુકાન બંધ કરાવવાની માંગ નથી કરી રહ્યો, પરંતુ તેના વેચાણ પર કોર્ટે દિશાનિર્દેશ જાહેર કરવું જોઈએ.”જજોએ આ અરજીકર્તાને પણ આડે હાથ લેતા કહ્યું કે અમે ગત અરજીમાં પણ કહ્યું હતું કે આ પ્રકારના મામલા પૂરાવા વગર માત્ર પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવે છે. વેચાણને લઈને દિશા નિર્દેશ જાહેર કરવું સરકારનું કામ છે અને તે કામ કરીર રહી છે.