PM Modi Hate Speech Case: સુપ્રીમ કોર્ટે મંગળવારે (14 મે) ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓના કથિત નફરત ફેલાય તેવા ભાષણો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી. પૂર્વ અધિકારી ઈએએસ શાહ અને ફાતિમા નામના અરજીકર્તાએ તેમની અરજીમાં ચૂંટણી પંચને પીએમ મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવાની માંગ કરી હતી. અરજીમા વડાપ્રધાને 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં આપેલા ચૂંટણી ભાષણ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.






સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે અરજદારોના વકીલને કહ્યું કે આ એવો વિષય નથી કે જેના માટે સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવે. અરજદારે ચૂંટણી પંચ સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ. ખંડપીઠે આ બાબતે વિચારણા કરવાની અનિચ્છા વ્યક્ત કરી જેના પગલે અરજદારે અરજી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.


પીએમ મોદીએ ભગવાનના નામે વોટ માંગ્યા હતાઃ અરજીકર્તા


લાઈવ લોના રિપોર્ટ અનુસાર, સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલે કહ્યું હતું કે "મેં પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણોને જોડ્યા છે જેમાં તેમણે સ્પષ્ટપણે ભગવાનના નામ પર વોટ માંગ્યા હતા. જસ્ટિસ નાથે કહ્યું કે અરજદારે પહેલા ચૂંટણી પંચનો સંપર્ક કર્યા વિના જ સીધો કોર્ટનો સંપર્ક કર્યો છે. ન્યાયાધીશે વધુમાં કહ્યું, "આ રીતે કલમ 32/226 હેઠળ ન આવો. તમારે ઓથોરિટીનો સંપર્ક કરવો પડશે. જો તમે અરજી પાછી ખેંચવા માંગતા હોવ તો અમે તમને મંજૂરી આપીશું."


ચૂંટણી પંચ પાસે જાવ: સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પછી અરજદાર અરજી પાછી ખેંચવા માટે સહમત થયા, પરંતુ તેમણે ચૂંટણી પંચનો સંપર્ક કરવાની મંજૂરી માંગી હતી. જેના પર કોર્ટે કહ્યું હતું કે "અમે પરમિશન કેમ આપીએ? આ તમારું કામ છે, આ તમારી સમસ્યા છે. કોર્ટે એક અન્ય અરજીને પણ ફગાવી દીધી હતી જેમાં કથિત નફરતભર્યા ભાષણો માટે વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર વિરુદ્ધ કાર્યવાહી માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.