Supreme Court Chief Justice: સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ (Chief Justice) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ (DY Chandrachud) હશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દેશના 50 CJI તરીકે કાર્યભાર સંભાળશે. જણાવી દઈએ કે, ડીવાય ચંદ્રચુડના નામની ભલામણ વર્તમાન સીજેઆઈ યુયુ લલિત દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ કાયદા મંત્રાલયે રાષ્ટ્રપતિની મંજૂરી માંગી હતી. 


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામ પર મહોર લગાવી છે. CJI UU લલિત 9મી નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. આ અંગે કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરીને માહિતી આપી છે.






જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના પિતા પણ CJI રહી ચૂક્યા છે


મે 2016માં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા વાયવી ચંદ્રચુડ પણ દેશના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. સૌથી લાંબા સમય સુધી CJI રહેવાનો રેકોર્ડ પણ વાયવી ચંદ્રચુડના નામે છે. તેઓ 1978 થી 1985 સુધી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.


ઘણા મોટા કેસોમાં જજ રહી ચૂક્યા છે  ડીવાય ચંદ્રચુડઃ


11 નવેમ્બર, 1959ના રોજ જન્મેલા જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ (DY Chandrachud) સુપ્રીમ કોર્ટના વર્તમાન સીટિંગ જજ છે. 1998માં તેઓ બોમ્બે હાઈકોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે નામાંકિત થયા હતા. તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચૂક્યા છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સબરીમાલા, સમલૈંગિકતા, આધાર અને અયોધ્યા સાથે જોડાયેલા કેસ સહિત ઘણા મોટા કેસોમાં જજ રહી ચૂક્યા છે.