નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે નાગરકિતા સંશોધન કાયદા અંગે દાખલ કરાયેલી અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ એસ.એ બોબડેએ કહ્યું કે, દેશ હાલ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છ. કોર્ટે કહ્યું જ્યારે હિંસા બંધ થશે ત્યારે આ મામલે સુનાવણી કરવામાં આવશે. કોર્ટમાં નાગરિકતા સંશોધન કાયદાને બંધારણીય જાહેર કરવા અને તેને લાગુ કરવા માટે તમામ રાજ્યોને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસ બોબડેએ આ અરજીઓ પર આશ્વર્ય વ્યક્ત કરતા એવું પણ કહ્યું કે, ‘આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ દેશના કાયદાને બંધારણીય જાહેર કરવાની માંગ કરી રહ્યું છે, જ્યારે અમારું કામ તો કાયદાની માન્યતાની ચકાસણી કરવાનું છે તેને બંધારણીય જાહેર કરવાની નથી.’

બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્ત પણ સામેલ હતા. સુપ્રીમ કોર્ટે સીએએની માન્યતાને પડકારનારી અરજીઓ પર કહ્યું જ્યારે હિંસા બંધ થશે, ત્યારે સુનાવણી કરીશું. ’

વકીલ વિનીત ઢાંઢાની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. શાંત લાવવાના પ્રયાસ થવા જોઈએ અને આ પ્રકારની અરજીઓની મદદ નહીં મળે. વકીલ વિનીતે નાગરિકતા સંશોધન એક્ટને લઈને શાંતિ ડોહળનારા સામે કાયદાકીય કાર્યવાહી કરાની માંગ સાથે અરજી દાખલ કરી છે.


ઉલ્લેખનીય છે કે કેટલાક રાજ્યોએ નાગરિકતા સંશોધન એક્ટને લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. પશ્ચિમ બંગાળ, કેરળ જેવા રાજ્યોની સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે તે પોતાના રાજ્યમાં આ કાયદાને લાગુ કરશે નહીં.