મુંબઈ: મહારાષ્ટ્રમાં 3 દિવસની ખેંચતાણ બાદ આજે સુપ્રીમ કોર્ટમાં વિપક્ષી પાર્ટીઓ (શિવસેના, એનસીપી, કોંગ્રેસ)ની અરજી પર સુનાવણી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રિમ કોર્ટ તમામ પક્ષોની દલિલો સાંભળી હતી. સુપ્રિમ કોર્ટે કાલે સવારે 10:30 વાગે ચુકાદો સંભળાવશે. શિવસેના તરફથી કપિલ, સિબબ્લ, એનસીપી-કોંગ્રેસ તરફથી મનુ સિંઘવી, મહારાષ્ટ્ર ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસ તરફથી મુકુલ રોહતગી અને સોલિસિટર જનરલ કોર્ટ રૂમમાં દલીલ કરી રહ્યા હતાં.

સુપ્રીમ કોર્ટ હવે મંગળવાર સવારે 10:30 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવશે. મહારાષ્ટ્ર સંકટ પર તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હવે કાલે સવારે 10:30 વાગ્યે ચુકાદો સંભળાવામાં આવશે.

સુપ્રિમ કોર્ટમાં મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે 14 દિવસનો સમય આપ્યો છે. તેઓએ કહ્યું હતું કે, પ્રોટેમ સ્પીકર બાદ સ્પીકરની ચૂંટણી જરૂરી છે. પરંતુ વિપક્ષ પ્રોટેમ સ્પીકરથી જ કામ કરાવવા માંગે છે.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, અમે આજે જ ફ્લોર ટેસ્ટ હારવા માટે તૈયાર છીએ પરંતુ બીજેપી ગઠબંધન ફ્લોર ટેસ્ટ હાલ નથી ઈચ્છતું. એનસીપી અને કોંગ્રેસનો પક્ષ રજૂ કરી રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, ફ્લોર ટેસ્ટ આજે કે કાલે કરાવી દેવો જોઈએ. સાથો સાથ ફ્લોર ટેસ્ટ સિક્રેટ બેલેટથી ન કરાવવો જોઈએ. બીજેપી ફ્લોર ટેસ્ટ હારી જ જશે.

સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોના સમર્થનના સોગંદનામા રેકોર્ડમાં લેવાનો ઈન્કાર કર્યો છે. શિવસેનાનો પક્ષ રજૂ કરતાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે, દેશમાં એવું શું રાષ્ટ્રીય ઈમરજન્સી આવી ગઈ હતી કે સવારે 5 વાગ્યે રાષ્ટ્રપતિ શાસન હટાવવું પડ્યું હતું અને 8 વાગ્યે મુખ્યમંત્રીના શપથ પણ લેવડાવી દીધા. મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે સરકાર બનાવવામાં આવી છે.

બીજી તરફ, એનસીપી અને કૉંગ્રેસ તરફથી પક્ષ રજૂ કરી રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઈ છે. અમારી માંગ છે કે 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે. અમારી પાસે 7 અપક્ષ ધારાસભ્યોના સમર્થનની પણ એફિડેવિટ છે.